પૂના પોલીસની માહિતીના આધારે 1500 કરોડના ડ્રગ્સની તપાસનો રેલો ગુજરાત પહોંચ્યો
જુદી જુદી ટીમો દિલ્હી ઉપરાંત યુપી, એમપી- હરિયાણામાં તપાસ માટે પહોંચી
(એજન્સી)અમદાવાદ, પૂના પોલીસે માહિતીના આધારે દરોડા પાડીને કરોડો રૂપિયાનું એમ.ડી.ડ્રગ્સ ઝડપી લીધું હતું. જેની તપાસના છેડા છેક દિલ્હી સુધી લંબાયા હતા. પોલીસે દિલ્હીમાં પણ દરોડા પાડીને કુલ ૧૫૦૦ કરોડનું એમ.ડી ડ્રગ્સ ઝડપી લઈ ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યાે હતો. હવે આ ડ્રગ્સ માફિયાઓના તાર ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાતના કેટલાક લોકો સાથે પણ જોડાયેલા હોવાથી તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસની મદદથી પૂના પોલીસે ગુજરાતમાં પણ તપાસ શરૂ કરી છે.
દેશમાં એમ.ડી.ડ્રગ્સનું ચલણ સતત વધી રહ્યું છે. જેમાં ગુજરાત તેનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા કેટલાક સમયથી તો અમદાવાદમાં પાન-મસાલાના ગલ્લા પર જે રીતે પાનમસાલા મળતા હોય તે રીતે ડ્રગ્સ મળતું થઈ ગયું છે. ચોક્કસ વિસ્તારોમાં તો ડ્રગ્સ પેડલરો યુવાધનને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે પુણે પોલીસે રવિવારે દરોડા પાડીને ૩ લોકોને કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા.
અન્ય પાંચ શંકાસ્પદ લોકોની પણ અટકાયત કરાઈ છે. હવે આ ડ્રગ્સ રેકેટ દિલ્હી ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણા તથા ગુજરાતથી પણ ઓપરેટ થતું હોવાનું ધ્યાનમાં આવતાં પુણા પોલીસને ટીમો દરેક સ્થળે તપાસ માટે રવાના થઈ છે. ગુજરાત પોલીસને સાથે રાખીને ગુજરાતમાં પણ આ પ્રકરણની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણી શકાયું છે.