Western Times News

Gujarati News

સૌથી લાંબો સ્પાન ધરાવતો આ બ્રિજ ૧૦૦ વર્ષ ટકી શકશે

દ્વારકા, આખોને બેટ દ્વારકા સાથે જોડતે કેબલ સ્ટેયડ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ૨૫ ફેબ્રુઆરીએ તેનું લોકાર્પણ થવાનું છે. દેશના આ સૌથી લાંબા બ્રિજની ડિઝાઈન ખુદ પ્રધાનમંત્રીએ બનાવી છે. સૌથી લાંબો સ્પાન ધરાવતો આ બ્રિજ ૧૦૦ વર્ષ ટકી શકે તેવો એકમાત્ર બ્રિજ છે.

ઉછળતા મોજા, અને ઘૂઘવાટા મારતો દરિયો….દરિયા નજીક આવેલી ખળખળ વહેતી પવિત્ર ગોમતી નદી…અને આ જ ગોમતીના કાંઠે આવેલું ભગવાન દ્વારિકાધિશનું મંદિર…જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો નતમસ્તક થવા આવે છે. આ જ પવિત્ર અને પૌરાણિક નગરી દ્વારિકાને મળવા જઈ રહી છે સૌથી મોટી ભેટ…

દ્વારકાના દરિયામાં જ આવેલા ભગવાન દ્વારિકાધિશ સાથે જોડાયેલા બે મહત્વના ધાર્મિક સ્થળ ઓખા અને બેટ દ્વારકા…આ બન્ને સ્થળે જવા માટે ભક્તો લાખોની સંખ્યામાં આવે છે. પરંતુ બન્ને વચ્ચે ઘૂઘવાટા મારતા દરિયાને કારણે બોટમાં સવાર થઈને પહેલા જવું પડતું હતું. પરંતુ હવે આ બન્ને સ્થળોને એક બ્રિજથી જોડવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું છે. અને આ જ બ્રિજનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૫ ફેબ્રુઆરીએ કરવાના છે. બ્રિજ એટલી ખૂબી અને વિશેષતાઓથી ભરેલો છે કે તમે જાણશો તો ચોંકી જશો.

આ એવો બ્રિજ છે જેને બનાવવાનું સપનું ખુદ પ્રધાનમંત્રીએ જોયું હતું…સપનું જોયા બાદ તેને હકિકતમાં બદલવાનું પણ કામ તેમણે જ કર્યું. બ્રિજની ડિઝાઈનથી લઈ નાનામાં નાની વસ્તુઓનું બારીકાઈથી તેમણે નિરીક્ષણ કર્યા બાદ હવે બ્રિજ તૈયાર થઈ ગયો છે ત્યારે તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. હવે દેશમાં સૌથી લાંબો સ્પાન ધરાવતો ૧૦૦ વર્ષ ટકી શકે તેવો એકમાત્ર આ કેબલ સ્ટેયડ બ્રિજ છે.

તેના પિલર પર દરિયાની સપાટીથી ૧૫૦ મીટર ઊંચા છે. આ બ્રિજને પહેલા સિગ્નેચર બાદમાં સુદર્શન સેતું નામ આપવામાં આવ્યું છે.અહીં ચાર લેન વાહનો માટે અને બંને બાજુ પેડેસ્ટ્રિયન માટે ૨.૫ મીટરનો કોરિડોર અને ગોલ્ફકાર્ટ પણ જઈ શકે તેવી રીતે બનાવાયો છે.

પેડેસ્ટ્રિયન કોરિડોરમાં જતા દર્શનાર્થીઓને તડકો લાગે નહીં તે માટે ઉપર એક મેગા વોટનો સોલાર પ્લાન્ટ કવર શેડ તરીકે મુકાયો છે, જેથી બ્રિજ માટે લાઇટિંગની જરૂરિયાતની વીજળી તેમાંથી જ મળી રહે અને બાકીની વીજળી સરકારી અન્ય ગ્રીડમાં અપાશે.

સૌરાષ્ટ્ર માટે નવું નજરાણું બનવા જઈ રહેલા આ બ્રિજની વિશેષતાઓની વાત કરીએ તો ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ કુલ ૨૩૦૦ મીટર લાંબો છે. જેમાં કેબલ સ્ટેયડ પાર્ટની લંબાઈ ૯૦૦ મીટર છે, ૨૭ મીટર પહોળો છે. સમુદ્રના પાણીની સપાટીથી ૧૮ મીટર ઊંચો હોવાથી જહાંજો પણ પસાર થઈ શકે છે.

૧૫૦ મીટર ઊંચા બાહ્ય આકારના કર્વ શેપ પિલર પર મોરનાં પીંછાંની છાપ બનાવવામાં આવી છે. જે દિવસે અને રાત્રે દ્રશ્યમાન થાય છે. બ્રિજ પર ઠેર ઠેર ગીતાનું જ્ઞાન અને ધાર્મિક માહિતીનું કોતરણી કામ કરાયું છે. બ્રિજના પીલર પર પેડેસ્ટ્રિયન કોરિડોર બનાવાયો છે. જેમાં કેન્ટીલીવર વ્યૂ ગેલેરીઓ બનાવાઈ છે.

બ્રિજના બન્ને છેડે ખાસ પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે. જેમાં ઓખા બાજુ ૨૪ હજાર ચોરસ મીટર અને બેટ દ્વારકા બાજુ ૧૬ હજાર ચોરસ મીટર મુખ્ય પાર્કિંગ ઉભુ કરાયું છે.

અદભૂત, અવિશ્વનિય લાગતો આ બ્રિજ રાત્રીના સમયે જ્યારે લાઈટિંગ કરવામાં આવે ત્યારે તો સોળે કળાએ ખીલી ઉઠે છે. રાતના સમયે બ્રિજનો નજારો નયનરમ્ય હોય છે. દરિયાનો ઘૂંઘવાટા મારતો અવાજ અને તેની ઉપર આ બ્રિજનો લાઈટિંગનો નજારો દ્વારિકાની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે. બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે દ્વારકાવાસીઓની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો તેના લોકાર્પણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.