હરિદ્વારની દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયની ટીમ દ્વારા મોડાસા ક્ષેત્રની હાઈસ્કૂલોમાં કાર્યક્રમોનું આયોજન
(પ્રતિનિધિ)મોડાસા, શ્વેતા શેખાવતના નેતૃત્વમાં આ ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સાથે તણાવમુક્તિ પણ જરૂરી અને વ્યક્તિત્વ વિકાસ, , સમયનું મહત્વ, શ્રેષ્ઠ દિનચર્યા , પરીક્ષા સુનિયોજન, યોગ ધ્યાન વિષયો પર માર્ગદર્શન આપ્યું.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત હરિદ્વાર સ્થિત દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય સંસ્થાના કુલાધિપતિ ડા. પ્રણવ પંડ્યાજીના સતત માર્ગદર્શનમાં નવી પેઢીના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સાથે શ્રેષ્ઠ નાગરીક ,શ્રેષ્ઠ માનવ બનાવવા આ વિશ્વ વિદ્યાલયમાં અનેક વિષયો સાથે અહીં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ઘડવામાં આવે છે.
આ વિશ્વ વિદ્યાલય દ્વારા પ્રમાણિત યુવા પોતાના જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાના સંકલ્પ સાથે માનવમાત્રને માટે સદભાવના સાથે સહાયરૂપ થવાનો ભાવ તેમના રગ રગમાં હોય છે. ગાયત્રી પરિવારના અગ્રણી કાર્યકર શ્રી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર ગુરુકૂળ પરંપરાનું નિર્વાહ કરતાં ભણતરની સાથે ઘડતરના પવિત્ર ઉદ્દેશ તથા સમાજસેવા માટે સમર્પિત આ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાનો ત્રણ માસનો સમય દેશભરમાં સેવા માટે આપે છે. આ સંસ્થાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ત્રણ ત્રણની ટીમમાં ભારતમાં લગભગ ૮૫૦ જિલ્લાઓમાં ઈન્ટરશીપ હેતુ મોકલવામાં આવે છે. જે સંદર્ભે શ્વેતા શેખાવત, બીનુ મૌર્ય અને પ્રેરણા પવાર આ ત્રણ વિદ્યાર્થીનીઓની ટીમ મોડાસા ખાતે આવેલ.
આ ટીમના અગ્રણી શ્વેતા શેખાવતે મિડિયાને જણાવ્યાનુસાર દેશભરમાં અનેક શૈક્ષણિક યુનિવર્સિટી સંસ્થાઓ છે. પરંતુ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સંચાલિત દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય આ બધી શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિક છે. કારણકે આ યુનિવર્સિટી ભણતરની સાથે ઘડતરના પવિત્ર ઉદ્દેશથી અનેક વિધ કાર્યક્રમો અમારા જીવનમાં સાંકળી લેવામાં આવે છે. કદાચ વિશ્વની પ્રથમ એવી વિશ્વ વિદ્યાલય હશે જેના કુલાધિપતિ સ્વયં દરેક વિદ્યાર્થીઓને જીવન વિકાસ માટે વિભિન્ન ક્લાસ લે છે. જેમાં દૈનિક જીવનમાં ગીતાનું મહત્વ, યોગ અને તેના સમકક્ષ જીવન કલા વિકાસ માટે વિભિન્ન સાધનાઓ જેવા વિષયો અમોને શિખવવામાં આવે છે.
મોડાસા તેમજ આસપાસના ક્ષેત્રની સ્કૂલોમાં તા.૧૩ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન મોડાસા, લિંભોઈ, ડુગરવાડા, ઝાલોદર,જીતપુર,ટીંટોઈ,વણીયાદ કોકાપુર, બોલુંન્દ્રા, ફરેડી, સરડોઈ વિગેરે હાઈસ્કૂલોમાં આ વિશ્વ વિદ્યાલયની ઈન્ટરશીપ હેતુ આવેલ વિદ્યાર્થીનીઓની ટીમ દ્વારા દરેક સ્કૂલોમાં તમામ વિષયો આવરી લઈ કાર્યક્રમો યોજાયા હતા.
મોડાસા ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રી ધર્માભાઈ પટેલ, શ્રી ભરતભાઈ ભટ્ટ, શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી નવીનભાઈ ત્રિવેદી સહિત શાળાઓના આચાર્યશ્રીઓએ આ કાર્યક્રમો સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી.