ખોરાકી ઝેરની અસરથી અમીરગઢના જેથી ગામે 10 પશુઓનાં મોતથી અરેરાટી
અમીરગઢ, અમીરગઢ તાલુકાના ખારા ગામે રહેતા પશુપાલક પોતાના ૬૦ જેટલાં પશુઓ લઈ જેથી ગામે ચરાવવા માટે ગયા હતા તે સમય દરમિયાન ૧૦ પશુઓને ખોરાકી ઝેરની અસર થતાં તેમનું મોત થતાં પશુપાલકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અમીરગઢ તાલુકાના ખારા ગામના વતની અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હરચંદભાઈ મોતીભાઈ રબારી (ખરેડ) અને તેમના ભાઈ રામાભાઈ મોતીભાઈ રબારી (ખરેડ) શુક્રવારે સાંજે પોતાના કુલ ૬૦ જેટલા પશુઓ લઈને તાલુકાના જેથી ગામે પશુ ચરાવવા માટે ગયા હતા.
દરમિયાન પશુઓએ એરંડાના પાન અને કુણાં બીજ ખાઈને પાણી પી લેતાં આફળો ચડવાથી કુલ ૧૦ પશુઓના મોત નીપજયા હતાં જેમાં હરચંદભાઈ રબારીની પ ગાય અને ૧ વાછરડી તેમજ રામાભાઈ રબારીની ૩ ગાય અને ૧ આખલો એમ બે ભાઈના કુલ ૧૦ પશુ મોતને ભેટતા પશુપાલકને ભારે નુકસાન વેઠવારો વારો આવ્ય્ છે.
આ અંગે વેટરનરી ડો. જે.પી.મજેઠીયાએ જણાવ્યું હતું કે, ખારા ગામના બે પશુપાલક ભાઈ શુક્રવારે રાત્રે ૬૦ પશુ લઈને ચરાવવા માટે જેથી ગામે ગયા હતા તે સમયે એરંડાના પાન અને ખૂણાં બીજ ખાઈને પાણી પી લેતાં આફળો ચડવાથી દસ પશુઓના મોત નીપજયા છે જેમનું પીએમ કરતા પેટમાંથી બટાકા પણ નીકળ્યાહતા. પશુઓના મૃત્યુનું વળતર ચુકવવા માટે દરખાસ્ત મોકલવામાં આવે તેવી માગણી સાથેની વિનંતીભરી રજૂઆત પશુપાલકોએ કરી હતી.