Western Times News

Gujarati News

એક વર્ષમાં 1.93 લાખથી  વધુ પ્રવાસીઓએ ગીર અભયારણ્યની મુલાકાત લીધી: ૬,૪૯૭ વિદેશી પ્રવાસીઓ

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય ખાતે ૧,૯૩,૪૧૫ પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા. જેમાં ૧,૮૬,૯૧૮ ભારતીય અને ૬,૪૯૭ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પેટે રાજ્ય સરકારને રૂ. ૪,૯૨,૦૦,૩૫૦ની આવક થઇ છે.

તેમણે ઉમેર્યું કે, આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓ ની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.

અભયારણ્યની મુલાકાતના બુકિંગ માટેના એક પૂરક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું કે, પ્રવાસીઓએ મુલાકાત માટે www.girlion.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ કરવાનું હોય છે. આ બુકિંગ જો મુલાકાતીઓ દ્વારા કેન્સલ કરવામાં આવે તો એ માટે પ્રવાસીઓને રકમ પરત કરવામાં આવે છે. જેમાં મુલાકાત તારીખથી ૧૦ દિવસ પહેલા મુલાકાતી બુકિંગ કેન્સલ કરાવે તો ૭૫% રકમ, ૫ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો ૫૦% રકમ, ૨ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો ૨૫% રકમ પરત કરવામાં આવે છે. છેલ્લી ઘડીએ મુલાકાતી દ્વારા બુકીંગ કેન્સલ કરવામાં આવે તો રકમ પરત કરવામાં આવતી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.