નાગરિક સુધારા બિલ અંગે કોંગ્રેસ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનૂન ૨૦૧૯ અંગે કોંગ્રેસ પાર્ટી દુષ્પ્રચાર અને જુઠ્ઠાણા ફેલાવીને સમગ્ર દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીનગર કોબા ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં બેઠક મળી હતી જેમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. રૂપાણીએ કહ્યું હતું કે, મોદી સરકારે વોટબેંકની ચિંતા કર્યા વગર એક પછી એક નિર્ણય દેશહિતમાં કર્યા છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ બેઠક યોજાઇ હતી.આ પ્રદેશ બેઠકમાં નાગરિકતા સંશોધન એક્ટ-સીએએ ૨૦૧૯ સંદર્ભે જનજાગરણ અભિયાન અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના માર્ગદર્શક સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપા હર હંમેશ રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે દેશસેવામાં અને ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્રહિત અને જનસેવાની નેમ સાથે જાહેર જીવનમાં કાર્યરત હોય છે.
ભાજપાએ હંમેશા અખંડ ભારત અને મજબૂત દેશના નિર્માણની ભાવના સાથે જાહેર જીવનમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે જનસંઘના સમયથી લાખો કાર્યકર્તાઓએ વૈચારિક સંઘર્ષ કર્યો છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ ની ભાજપા સરકાર શ્રેણીબદ્ધ રીતે દેશહિતના નિર્ણયો લઈ રહી છે જેનાથી દેશવિરોધી તત્વો ના પેટમાં તેલ રેડાયું છે.
સીએએ-૨૦૧૯ અંગે કોંગ્રેસ દુષ્પ્રચાર અને જુઠાણાં ફેલાવીને સમગ્ર દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ દેશની જનતા આવા તત્વોને સુપેરે ઓળખી ચૂકી છે. દેશના જનમાનસમાં એક વાત નિશ્ચિત થઈ ચૂકી છે કે દેશની આઝાદીથી લઈને ૭૦ વર્ષો સુધી દેશની દુર્દશા માટે માત્ર ને માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં વોટબેન્કની સહેજ પણ ચિંતા કર્યા વિના રાષ્ટ્રની મજબૂતાઇ અને વિકાસ માટે એક પછી એક દેશહિતના નિર્ણયો થઈ રહયાં છે તેથી દેશમાં રહેલા ભાગલાવાદી અને સત્તાલાલચું લોકોના પગ નીચેથી જમીન સરકી ગઇ છે.
રૂપાણીએ કોંગ્રેસની ગોબેલ્સ પ્રચાર નીતિને વખોડતાં જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ ક્યારેય મહાન નથી હોતો હંમેશા દેશ જ મહાન હોય છે. જાહેરજીવનમાં વ્યક્તિ વિરોધ હોઈ શકે પરંતુ વોટબેંક માટે દેશનો વિરોધ અને દેશની છબી તેમજ એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચે તે પ્રકારનું આચરણ એ કોંગ્રેસની હીન માનસિકતાને દર્શાવે છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિના પરિણામ સ્વરૂપ જ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એ નું નિર્મૂલન શક્ય બન્યું છે અને દેશમાં નાગરિકતા સંશોધન કાયદો સીએએ-૨૦૧૯ અસ્તિત્વમાં આવ્યો છે. આ કાયદામાં પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક રીતે પ્રતાડિત અલ્પસંખ્યકોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં દેશમાં રહેતા કોઈપણ નાગરિકનું નાગરિકત્વ છીનવવાની ક્યાંય વાત જ નથી.