Western Times News

Gujarati News

કોંગીએ શરણાર્થીઓના હક માટે કોઇ પગલા લીધા નથી : નીતિન પટેલ

File

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશની આઝાદી બાદ પાકિસ્તાનમાં હિંદુઓ અને શીખો ઉપર થઈ રહેલ ધાર્મિક પ્રતાડના અંગે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં વસતા હિંદુ અને શીખ જો પાકિસ્તાનમાં વસવાટ કરવા ન ઇચ્છતા હોય તો તેઓ ભારત આવી શકે છે અને તેમને નોકરી આપવી તેમજ તેમના જીવનને સામાન્ય બનાવવું એ ભારત સરકારનું કર્તવ્ય છે. કોંગ્રેસે આઝાદી પછીના ૭૦ વર્ષ સુધી શરણાર્થીઓના અધિકાર સન્માન માટે કંઈ જ કર્યું નથી, ફક્ત અને ફક્ત વોટબેંકની રાજનીતિ કરીને પોતાનો રાજકીય સ્વાર્થ જ સાધ્યો છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ નાગરિકતા સંશોધન કાયદા થકી શરણાર્થીઓને નાગરિકતાની સાથે સાથે સન્માન આપ્યું છે. પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ જનજાગરણ અભિયાન અંતર્ગત જનતા સાથે સંપર્ક અને સંવાદ થકી નાગરિકતા સંશોધન એકટ-૨૦૧૯ અંગે સાચી માહિતી આપવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.

દલસાણીયાએ જણાવ્યુ હતું કે,આગામી ૨૫ ડિસેમ્બરના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ દિવસે ભાજપા દ્વારા તેમના જીવન કવનના સંદેશ સાથે પુષ્પાંજલિ કાર્યક્રમો કરવામાં આવશે તેમજ ૨૫મી ડિસેમ્બર સુશાસન દિવસના રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ૮ સ્થળોએ કૃષિ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપાના કાર્યકર્તાઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે.આગામી ૨૯ ડિસેમ્બરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું પણ જિલ્લા/મહાનગરો તથા તાલુકા કક્ષાએ સામૂહિક આયોજન કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ‘નાગરિકતા સંશોધન કાયદો ૨૦૧૯’ આ કાયદાની મૂળ વિભાવના લોકો સુધી પહોંચે અને જનમાનસમાં તે અંગેનું ચિત્ર સ્પષ્ટ બને તે માટે સમગ્ર દેશમાં ભાજપા દ્વારા જન જાગરણ અભિયાન હાથ ધરવામાં આવશે. ભાજપ દ્વારા આગામી દિવસોમાં જનસંપર્ક અભિયાન, સભા, રેલી અને સહી ઝુંબેશ હાથ ધરાશે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીને અભિનંદન પાઠવતી સહી ઝુંબેશ હાથ ધરી તેઓને મોકલાશે. ભાજપ કમલમ ખાતે આજે સીએમ રૂપાણી અને જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં નાગરિકતા સંશોધન કાયદા અંગે કયા કાર્યક્રમો કરવા તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.