વડોદરામાં 22 કરોડના ખર્ચે નવનિર્મિત નવીન કલેક્ટર કચેરીનું લોકાર્પણ
નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે:મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
વડોદરામાંમાં રૂ. ૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત નવીન કલેક્ટર કચેરી(જિલ્લા સેવાસદન)સહિત રૂ. ૯૨ કરોડથી વધુના વિકાસ કામોનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે વડોદરા મનપા અને વુડાના કુલ રૂ. ૭૩૦ કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપેલી પરંપરા એ સુદ્રઢ નાણાંકીય સદ્ધરતાના પાયામાં છે. એથી ગુજરાતમાં જનકલ્યાણના કામો કરવા માટે બજેટમાં કોઈ કમી નથી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, શહેરી વિસ્તાર, આઉ ગ્રોથ વિસ્તારમાં વિકાસ કાર્યોને રાજ્ય સરકાર દ્વારા તુરંત મંજૂરી આપવામાં આવે છે. ગુજરાત સરકારના બજેટનું કદ રૂ. ૩.૩૨ લાખ કરોડનું થયું છે. તેમાં નાગરિકોની સુવિધાને ધ્યાને રાખી જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત્ત અઠવાડિયામાં ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં રૂ. ૧.૧૦ લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા તે રકમ ગુજરાતના બજેટમાં ત્રીજા ભાગની છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેરના ઓ. પી. રોડ ખાતે રૂ. ૨૨.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન નવીન કલેક્ટર કચેરી(જિલ્લા સેવા સદન)ને જનસમર્પિત કરવા સાથે વડોદરા મહાનગરપાલિકાના જનસુવિધા અને જન સુખાકારીના રૂ.૧૫૬ કરોડ અને વુડાના અંદાજીત રૂ.૫૭૪ કરોડ સહિત કુલ રૂ.૭૩૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર કલાર્ક તરીકે નિમણુંક પામેલ ૫૨૫ ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ શહેરમાં ૧૦૧ સ્માર્ટ આંગણવાડીઓનું લોકાર્પણ કર્યું હતું.મુખ્ય મંત્રીશ્રીએ રૂ.૪.૩૪ કરોડના ખર્ચે નિર્માણ થયેલ મકરપુરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે,ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે ગુજરાતમાં આજે સો જેટલી વૈશ્વિક કંપની ગુજરાતમાં કાર્યરત છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત આગામી વર્ષોમાં દુનિયાની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બની જશે.તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
રાજ્ય સરકારે સરકારી પદો ઉપર નિયમિતપણે અને પારદર્શક રીતે ભરતી થાય તેવી કાર્યશૈલી વિકસાવી છે. આજે એક જ દિવસમાં ગાંધીનગર થી ૧૯૯૦ અને વડોદરામાં ૫૨૫ સહિત ૨૫૧૫ ઉમેદવારોને સરકારી પદોમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. ભરતી પ્રક્રિયા નિયમિત પણે કરવાની સરકારની પ્રતિબદ્ધતા છે.
નવનિયુક્ત ઉમેદવારોને જન સેવાની શીખ આપતા શ્રી પટેલે કહ્યું કે લોકોના પ્રશ્નોના નિવારણ માટે હંમેશા સરકારની સકારાત્મક ઉપસ્થિતિ વર્તાય તે રીતે અરજદારને કોઈ પણ ધક્કા ખાવા ના પડે તે રીતે કર્મ કરવું જોઈએ.
વિકસિત ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત માટે સૌને સાથે મળી કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુકલે જણાવ્યું કે વડોદરાવાસીઓની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. વડોદરાની આંતરમાળખાકીય સુવિધાઓ અને સર્વાંગી વિકાસ માટે રિંગરોડની પણ ભેટ મળી છે. આજે એક જ દિવસે ૫૨૫ યુવાનોને રોજગારી આપવામાં આવી છે ત્યારે વડાપ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ માટેના સૂત્ર GYAN ના મુખ્ય સ્થંભ યુવાનોને રોજગારી આપીને ચરિતાર્થ કર્યું છે.
પ્રારંભમાં સૌનો આવકાર કરતા મેયર શ્રીમતી પિન્કીબેન સોનીએ જણાવ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વડોદરાનો તેજ ગતિથી વિકાસ થઈ રહ્યો છે.લોકોની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે મોદી સરકારની ગેરંટી સાચા અર્થમાં ધરાતલ પર ઉતરી છે જેના લાભો લોકોને મળી રહ્યા છે.તેમણે મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિઓ વર્ણવી હતી.
આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડોદરા જિલ્લાને રૂ. ૯૨ કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી હતી.જેમાં રૂ. ૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત નવી કલેક્ટર કચેરીના લોકાર્પણ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંદાજિત રૂ. ૩૭ કરોડના ખર્ચે બે પ્રકલ્પોના લોકાર્પણ અને રૂ. ૩૩.૪૦ કરોડના ખર્ચે બે પ્રકલ્પોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
જે અંતર્ગત રૂ. ૩૩.૭૫ કરોડના ખર્ચે વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર રસ્તાની મજબૂતાઈ વધારવાનું અને પહોળાઈ ૭ મીટરથી વધારીને ૧૦ મીટર કરવાના કામ, રૂ. ૩.૧૫ કરોડના ખર્ચે નિર્મિત નવીન ડભોઈ તાલુકા પંચાયત ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે રૂ. ૯૮ લાખના ખર્ચે નવીન તૈયાર થનાર કુલ ૧૧ આંગણવાડી ઈમારતોનું ખાતમુહૂર્ત તેમજ રૂ. ૩૨.૪૧ કરોડના ખર્ચે પંચાયત માર્ગ અને મકાન પ્રભાગ હેઠળના ૫૧ કિ.મી ના કુલ ૧૯ નવીન રસ્તાઓના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.મુખ્ય મંત્રીશ્રીએ દુર્ઘટનામાં બચાવ રાહત માટેની ફાયર વાન અર્પણ કરી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા,ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહિડા, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ,શૈલેષભાઈ મહેતા, ચૈતન્યભાઈ દેસાઈ,કેયુરભાઈ રોકડિયા,અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલા,પૂર્વ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા,અગ્રણી શ્રી સતિષભાઈ નિશાળિયા,વી. એમ. સી. ના હોદેદારો, કમિશનર શ્રી દિલીપ રાણા, કલેક્ટરશ્રી બી. એ. શાહ, ડી. ડી. ઓ. સુશ્રી મમતા હિરપરા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ,નગરસેવકો અને અગ્રણીશ્રીઓ સહિત ઉમેદવારો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.