Western Times News

Gujarati News

ચૂંટણીમાં હિંસા સહન નહીં કરાયઃ સરકારી બાબુઓ નિષ્પક્ષ રહેઃ રાજીવ કુમાર

મુખ્ય ચૂંટણી કમિશનરે લોકસભાની ચૂંટણીને લઈને માહિતી આપી- ચૂંટણી દરમિયાન હિંસા રોકવા માટે ચૂંટણી પંચ સી-વિજિલ નામની એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં યુઝર્સ ફરિયાદ નોંધાવી શકે છે

કોલકાતા, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મંગળવારે પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં. ચૂંટણી પંચનો મુખ્ય હેતું રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને હિંસામુક્ત ચૂંટણી કરાવવાનો છે. ચૂંટણીમાં ભય અથવા ડરાવવા માટે કોઈ સ્થાન નથી.

સરકારી બાબુઓના પક્ષપાતી વલણને સહન કરવામાં આવશે નહીં. રાજ્યમાં પર્યાપ્ત સંખ્યામાં કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવામાં આવશે’ ચૂંટણી દરમિયાન હિંસા રોકવા માટે ચૂંટણી પંચ સી-વિજિલ નામની એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. સી વિજિલનો અર્થ નાગરિકોની તકેદારી થાય છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સી-વિજિલ એપની વિશેષતાઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘જો ચૂંટણી માટે કોઈપણ પ્રકારની અનિયમિતતા અથવા હિંસા થવાની તૈયારી કરવામાં આવી રહી છે, તો યુઝર્સઓ આ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે. ૧૦૦ મિનિટમાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતો હોય તો આ એપ દ્વારા ઉમેદવારની ઓળખ કરી શકાશે અને તેની સામેના ગુનાહિત કેસોની ઓળખ કરી શકાશે.

આ સાથે ઉમેદવારે તેના ગુનાહિત આરોપો અંગે ત્રણ સમાચારપત્રોમાં જાહેરાત આપવી પડશે. રાજકીય પક્ષોએ પણ તેમની વેબસાઈટ અને સમાચારપત્રો દ્વારા આમ કરવાનું રહેશે.’

મહિલાઓને આગળ લાવવા અને પ્રોત્સાહન આપવા માટે રાજીવ કુમારે કહ્યું કે, ‘આગામી લોકસભા ચૂંટણી માટે કેટલાક મતદાન કેન્દ્રો માત્ર મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે. તે મતદાન કેન્દ્રો પર મહિલા સુરક્ષા દળો પણ તહેનાત કરવામાં આવશે. કેટલાક મતદાન કેન્દ્રો સંપૂર્ણપણે વિકલાંગ વ્યક્તિઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. જેથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય.’

નોંધનીય છે કે, ચૂંટણી પંચની ટીમે સોમવારે રાજ્યમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપે પંચ પાસે માગ કરતા કહ્યું કે,’લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં માત્ર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) તહેનાત કરવામાં આવે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે જરૂરી છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.