જવેલર્સની દુકાનમાં લૂંટને અંજામ આપવા દંપતિએ રેકી કરી હતી
મણિનગરમાં હથિયારો સાથે જવેલર્સ લૂંટ કરનાર ટોળકીમાંથી ૩ શખસો પકડાયા -સાડા અગીયાર લાખની લૂંટમાંથી ફ્કત દોઢ લાખનો મુ્દ્દામાલ પકડાયો
અમદાવાદ, શહેરના મણિનગર ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલા જય ભવાની જવેલર્સ નામની દુકાનમાં રીવોલ્વર અને છરી બતાવી સોની સાથે ઝપાઝપી કરી મોબાઇલ અને દાગીના મળી ૧૧.૬૩ લાખી લૂંટ કરવામાં આવી હતી. ગુનાનો ભેદ સીસીટીવી આધારે ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાખ્યો હતો આ કેસમાં લૂંટ કરનાર ટોળકીમાંથી ૩ શખસોને પકડી પાડ્યા હતા અને વાહનો અને હથિયાર મળી કુલ ૨.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વની વાત તો એ છે કે, શહેરમાં ગુના બને છે પરંતુ તેના આરોપી પકડાય છે પરંતુ લૂંટેલો અને ચોરેલો મુદ્દામાલ મેળવવામાં મોટા ભાગે પોલીસ નિષ્ફળ જતી હોય છે. આ વખતે પણ ક્રાઇમ બ્રાંચ સાડા અગીયાર લાખમાંથી ફક્ત દોઢ લાખ આસપાસ મુદ્દામાલ કબ્જે કરી શકી છે.
શહેરના મણિનગર ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલા જય ભવાની જવેલર્સમાં ગત ફેબ્રુઆરીમાં મહિનામાં લૂંટની ઘટના બની હતી. લૂંટારુઓ રિવોલ્વર અને છરી બતાવીને સાડા અગીયાર લાખની મત્તા લૂંટીને ભાગી ગયા હતા. આ અંગે મણિનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી આધારે ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. વાસણા સોરાઇનગર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડી પાસે ત્રણ લૂંટારુ સંતાયા હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી.
જેથી ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનના બલવીરસિંગ લક્ષ્મણસિંગ રાજપુત, સુમેરસિંગ ઢગલસિગં રાવત અને કુંદન અર્જુનસિંગ રાવતને પકડી પાડ્યા હતા. તેઓ પાસેથી લૂંટેલા દાગીનામાંથી અમુક સામાન મળી આવ્યો હતો. લૂંટમાં વપરાયેલા બે વાહનો અને પિસ્ટલ અને કારતુસ સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે ક્રાઇમ બ્રાંચે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી ગીરધારીસિંગ રાવત રામોલ વિસ્તારમાં તેની પત્ની સાથે રહેતો હતો. લૂંટ કરવા માટે તેના ઘર નજીક રુમો ભાડે રાખતો હતો. સાથે કન્સ્ટ્રકશન સાઇડોના કામ રાખી કડીયાકામ કરતા રાજસ્થાનના લોકોના સંપર્કમાં આવતો હતો. રાવત રાજપુત હોય તો તેમને ગેંગમાં સામેલ કરતો હતો.
ગીરધારીસિંગ અને તેની પત્ની પૂજાદેવીએ સાથે જઇ મણિનગરની જવેલર્સની દુકાનમાં જઇ રેકી કરી લૂંટનુ કાવતરુ રચ્યું હતું. ગીરધારીએ રિવોલ્વર, છરો અને કારતુસની વ્યવસ્થા કરી હતી અને આરોપીઓને આપ્યા હતા. લૂંટ કર્યા બદા પકડાઇ ન જવાય તે માટે આરોપીઓએ નિકોલ અને અમરાઇવાડી વિસ્તારમાંથી વાહનની ચોરી કરી હતી અને તે જ વાહનો લૂંટમાં વપરાયા હતા. લૂંટ બાદ આરોપીઓ રામોલ ગયા હતા અને લૂંટના માલનો ભાગ પાડ્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ આરોપીઓ પાસેથી વધુ મુદ્દામાલ પોલીસ કબ્જે કરી શકી ન હતી.