આડાસંબંધમાં મહિલાની હત્યા કરનાર યુવકને આજીવન કેદ
આણંદ, આણંદ નજીકના વઘાસી સાથે રહેતા યુવકે પાંચ વર્ષ પૂર્વે બનેલા બનાવમાં વિધવા મહિલા સાથે આડા સંબંધમાં વહેમને કારણે જીવલેણ હુમલો કરી મહિલાની હત્યા કરી હતી. આ અંગેનો કેસ આણંદની જિલ્લા કોર્ટમાં ચાલી જતા આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદ અને રૂ.૬ હજારના દંડની સજા ફરમાવતો ચુકાદો જાહેર કર્યાે છે.
આણંદ તાલુકાના વઘાસી ગામમાં આવેલા રામદેવ ચોકમાં અલ્પેશ મનુભાઈ પરમાર (ઉં.વ.૩૪) નામના યુવકને ૩૧ વર્ષીય વિધવા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેના પતિ મૃત્યુ પામ્યા હતા.પરંતુ છેલ્લા કેટલાંય સમયથી અલ્પેશને આ વિધવા કોઈ અન્ય સાથે આડોસંબંધ રાખતી હોવાનો વહેમ હતો. જે અંગેની રીસ રાખીને વર્ષ ૨૦૧૯માં ૯મી ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે મહિલા તેના વાડામાં વાસણ ધોવા માટે ગઈ હતી.
ત્યારે અચાનક તે ધસી આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કર્યાે હતો. જેની સાથેની બોલાચાલીમાં ઉશ્કેરાયેલા અલ્પેશ પરમારે લાકડાના દંડા અને સિમેન્ટના થાંભલાના ટુકડા મહિલાના માથામાં તથા શરીરના ભાગે મારતા તેણીનું મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ રૂરલ પોલીસે અલ્પેશ પરમાર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી.
આ કેસ આણંદની જિલ્લા કોર્ટમાં ચાલવા પર આવતાં સરકારી વકીલ એ.એસ.જાડેજાએ ૧૬ સાક્ષી અને ૪૩ દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને તકસીરવાન ઠેરવી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને રૂપિયા છ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની સજા ફરમાવતો હુક્મ કર્યાે હતો.