કલંકિત કિસ્સો: પુત્રએ કાતરના ઘા ઝીંકી હુમલો કરતાં માતા ગંભીર
મણિનગરનો જનેતા પર જ પુત્રનો હુમલો
(એજન્સી)અમદાવાદ, મહિલા દિવસ ઉપર મા તે મા બીજા બધા વગડાના વા એ કહેવતને નિરર્થક કરતો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે માતાએ નવ મહિના કૂખમાં દીકરાનો ઉછેર કરીને તેને જન્મ આપ્યો તે જ દીકરાએ માતાને કૂખમાં કાતરના ઘા મારીને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી છે.
મણિનગરમાં જમવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા પુત્રએ માતાના પેટમાં કાતરના બે ઘા મારી દીધા હતા. કપૂત પુત્રના કારણે વૃદ્ધ માતા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.
મણિનગર વિસ્તારમાં આવેલા રાધે એપાર્ટમેન્ટમાં રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધ ઘનશ્યામભાઈ ચૌહાણે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ઘનશ્યામભાઈ નિવૃત્ત જીવન ગુજારો છે અને હાલ તે તેમના પત્ની લતાબહેન, પુત્ર તપન અને નિશિત સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. નિશિત દરજીકામ કરે છે, જ્યારે તપન નોકરી કરે છે. નિશિતે તેના માતા અને ભાઈ પર કાતર વડે હુમલો કર્યાે છે. ઘનશ્યામભાઈ અને તેમનો પરિવાર ઘરે હાજર હતો ત્યારે નિશિતે હુમલો કર્યાે હતો. બપોરે જમવા મામલે નિશિતને ઘરમાં ઝઘડો થયો હતો, જેને લઈને મામલો બીચક્યો હતો.
ઘનશ્યામભાઈ અને નિશિત વચ્ચે જમવાના મુદ્દે બબાલ થઈ હતી, જેથી તે પિતા પર હુમલો કરવાના ઈરાદે રૂમમાંથી કાતર લઈ આવ્યો હતો નિશિત ધારદાર કાતર લઈને પિતા ઘનશ્યામભાઈ પર હુમલો કરે તે પહેલાં લતાબહેન તેમને બચાવવા માટે વચ્ચે પડ્યાં હતાં. નિશિતે માતા લતાબહેન પર દાઝ રાખીને તેમના પેટમાં કાતરના બે ઘા ઝીંકી દીધા હતા. લતાબહેન લોહીલુહાણ હાલતમાં થઈ જતાં તપન તેમને બચાવવા માટે તેમજ કાતર છીનવી લેવા માટે વચ્ચે પડ્યો હતો. તપને કાતર છૂંટવી લેતાં તેના હાથમાં પણ ઈજા પહોંચી હતી.
લતાબહેનને ઈજા થતાં ઘનશ્યામભાઈએ બૂમાબૂમ કરી દીધી હતી, જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત લતાબહેન તેમજ તપનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. હાલ લતાબહેન હોસ્પિટલમાં એડમિટ છે અને તેમની હાલત હાલ સ્થિર છે.
ઘટનાની ગંભીરતાથી લઈને મણિનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘનશ્યામભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નિશિતે જે હુમલો કર્યાે તેમાં જમવાનો મુદ્દો નહીં.પરંતુ બીજો કોઈ મુદ્દો હોઈ શકે છે.
હાલ ઘનસ્યામભાઈની ફરિયાદના આધારે મણિનગર પોલીસે નિશિત વિરુદ્ધ ગુનો નોંધીને હુમલાની સાચી હકીકત શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.જે માતાએ ભૂખ્યાં રહીને પોતાનાં સંતાનોનું પેટ ભર્યું તે જ દીકરીએ જમવા મામલે માતાના પેટમાં કાતરના ઘા ઝીંકી દેવાના કિસ્સાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે.