લોકસભા ચૂંટણીઃ ભાજપે વધુ ૭૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા
લોકસભા ચૂંટણીઃ ભાજપે વધુ ૭૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા-BJP બીજી યાદીમાં અનુરાગ ઠાકુર, પિયુષ ગોયલ, નીતિન ગડકરી, મનોહર લાલ ખટ્ટર સહિતના દિગ્ગજોનો સમાવેશ
નવી દિલ્હી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૯૦થી વધુ નામો ઉપર ચર્ચા થઈ હતી. અને ૭૨ નામો ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છે. ભાજપે સત્તાવાર રીતે ૭૨ નામો જાહેર કરતાં જ રાજકીય ક્ષેત્ર ચહલપહલ વધી ગઈ છે.
સાથે સાથે બીજી બાજુ, કોંગ્રેસમાં પણ નામોની પસંદગી માટે મંથન ચાલી રહ્યું છે. કેટલીક બેઠકો ઉપર ભારે ખેંચતાણ જોવા મળતાં કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા ઉમેદવારોને ખાનગી રાહે ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે. ભાજપે પ્રથમ યાદીમાં ૧૯૫ ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા. જ્યારે આજે ૧૦ રાજ્યનાં ૭૨ ઉમેદવારો જાહેર કર્યા છે.
અને બાકીની સીટો માટે ટૂંક સમયમાં જ પુનઃ ચૂંટણી સમિતિની બેઠક મળશે અને તેમાં બે તબક્કામાં આ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી બુધવારે સાંજે બહાર પડી હતી. તેમાં ૭૨ નામ છે. પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે. આ સિવાય હર્ષ મલ્હાત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ મળી છે.
બીજી યાદીમાં બીજેપીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી ૧, દિલ્હીથી ૨, ગુજરાતના ૭, હરિયાણામાંથી ૬, હિમાચલ પ્રદેશમાંથી ૨, કર્ણાટકના ૨૦, મધ્યપ્રદેશમાંથી ૫, મહારાષ્ટ્રમાંથી ૨૦, તેલંગાણામાંથી ૬, ત્રિપુરામાંથી ૧, ઉત્તરાખંડમાંથી ૨ ઉમેદવારોની જાહેરાત કરી છે.
બીજેપીની પ્રથમ યાદી ૨ માર્ચે આવી હતી. ૧૬ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૯૫ ઉમેદવારોના નામ જાહેર થયા હતા. અત્યાર સુધીમાં ૨૬૭ સીટો પર નામોની જાહેરાત કરવામાં આવી છે. બંટો કટારિયાને અંબાલા (જીઝ્ર) બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંટો રતન લાલ કટારિયાની પત્ની છે, જેમણે ૨૦૧૯માં ચૂંટણી જીતી હતી, જેમનું વર્ષ ૨૦૨૩માં અવસાન થયું હતું ભિવાની-મહેન્દ્રગઢ (ચૌધરી ધરમબીર સિંહ), ગુડગાંવ (ચૌધરી ઈન્દ્રજીત સિંહ યાદવ) અને ફરીદાબાદ (ક્રિષ્ના પાલ ગુર્જર)ના વર્તમાન સાંસદોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી ૨ માર્ચે જાહેર કરવામાં આવી હતી. જેમાં ૧૯૫ ઉમેદવારોના નામ હતા. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં ૨૮ મહિલાઓ, ૪૭ યુવાનો, ૨૭ એસસી, ૧૮ એસટી અને ૫૭ ઓબીસી ઉમેદવારો સામેલ છે.
આ યાદીમાં ઉત્તરપ્રદેશની ૫૧, પશ્ચિમ બંગાળની ૨૦, મધ્યપ્રદેશની ૨૪, ગુજરાતની ૧૫, રાજસ્થાનની ૧૫, કેરળની ૧૨, તેલંગાણાની ૯, આસામની ૧૧, દિલ્હીની ૫, જમ્મુ-કાશ્મીરની ૨ . ઉત્તરાખંડની ૩. અરુણાચલની ૨, ગોવાની ૧, ત્રિપુરાની ૧, આંદામાનની ૧, દમણ અને દીવની ૧ બેઠક સામેલ છે. સૂત્રોનું માનીએ તો ભાજપ ૧૦ માર્ચ સુધીમાં ૫૦ ટકા લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. પાર્ટીએ ૨૦૧૯ની ચૂંટણીમાં પણ આવું જ કર્યું હતું. છેલ્લી વખત, લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા અઠવાડિયા પહેલા, ભાજપે ૨૧ માર્ચે ૧૬૪ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.