ટેસ્ટ ડ્રાઇવના નામે નરોડામાં ગાડી લૂંટવાનો પ્રયાસ: 1 ઝડપાયો
આ મામલે નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી
અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં ટેસ્ટ ડ્રાઇવના નામે ગાડી લૂંટવા બે શખ્સો રાજસ્થાનથી આવ્યા હતા. ગાડીનો ટેસ્ટ ડ્રાઇવ લેતી વખતે એક શખ્સે ગાડીમાં બેઠેલ યુવકનું ગળું પકડ્યું હતું. જો કે, યુવકે તાકાત વાપરી ગળું છોડાવ્યું હતું. ત્યારબાદ સ્ટેરીંગ પકડી લેતા અકસ્માત થયો હતો. જેમાં એક શખ્સ પલાયન થઇ ગયો હતો બીજી તરફ સમયસુચકતા વાપરી યુવકે એક શખ્સને ઝડપી લીધો હતો. આ મામલે નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.
શહેરના સરદારનગર વિસ્તારમાં ૧૯ વર્ષિય મહેશ વેલાભાઇ ભરવાડ રહે છે અને નાના ચિલોડા ખાતે કે. બી. મોટર્સ નામની ખાનગી કાર લે-વેચ ફર્મમાં નોકરી કરે છે. થાડ દિવસો પહેલાં તેમના ત્યાં ક્રેટા ગાડી વેચવા માટે લીધી હતી. ૧૨મીના રોજ મહેશ ઓફિસ પર હાજર હતો. ત્યારે બે વ્યક્તિ આવ્યા હતા અને ક્રેટા ગાડી ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ગાડીનો ટેસ્ટ ડ્રાઇવ લેવા જણાવ્યું હતું.
જેથી મહેશ ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો. જ્યારે બે શખ્સો પૈકી એકે ગાડી ચલાવી હતી અને બીજો પાછળ બેસી ગયો હતો. ડ્રાઇવરે ચીલોડા વાળો બ્રિજ ઉપર ચઢાવતા મહેશે ના પાડી હતી. જેથી ડ્રાઇવરે કરાઇ તરફ ગાડી પુર ઝડપે જવા દીધી હતી. જેથી મહેશને શંકા જતા તેણે ગાડી ઉભી રાખવા જણાવ્યું હતું. ત્યારે પાછળ બેઠેલા શખ્સે મહેશનું ગળું પકડ્યું હતું અને ખિસ્સામાંથી પૈસા અને ફોન લઇ તેને માર માર્યો હતો.
જો કે, જેમ તેમ કરી મહેશે ગળુ છોડાવ્યું હતું અને તાકાત કરી ગાડીનું સ્ટેરીંગ ફેરવી કાઢ્યું હતું. જેથી ગાડી ડિવાઇડર પર ચઢી ગઇ હતી. જેથી ગાડી ઉભી રહી ગઇ હતી. આ સમયે પાછળ બેઠેલ શખ્સ પલાયન થઇ ગયો હતો.
જો કે, મહેશે બળનો ઉપયોગ કરી ડ્રાઇવરને પકડી રાખ્યો હતો. બીજી તરફ અકસ્માત થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને પકડેલા માણસની પુચ્છા કરતા પોતાનું નામ આશિષ ગજેન્દ્ર પાટીદાર(રહે. પ્રતાપગઢ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. બન્ને લોકો ટેસ્ટ ડ્રાઇવના બહાને ગાડી લૂંટી પલાયન થઇ જવાનો પ્લાન હોવાનું પણ ડ્રાઇવરે જણાવ્યું હતું. આ મામલે નરોડા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ફરિાદ નોંધી આશિષની ધરપકડ કરી છે.