Western Times News

Gujarati News

મુમદપુરા અંડરપાસ, ગોધાવી બ્રિજ, 40 સ્માર્ટ સ્કૂલ, 7 હેલ્થ ATM, આંગણવાડીનું લોકાર્પણ

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઔડા અને AMC ના રૂ. ૧૮૦૫ કરોડના વિકાસકામો તેમજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં AMCના રૂ. ૧૨૦૬ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા

  • રેલવે અન્ડરબ્રીજ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, ૪૦ સ્માર્ટ સ્કૂલ, વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ડ્રેનેજ લાઈન્સ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, LIG આવાસ, વેસ્ટ કલેક્શન સેન્ટર અને બેરેજ કમ બ્રિજનું ખાતમુહૂર્ત Launch of Mumadpura Underpass, Godhavi Bridge, Multi Purpose Building, 7 Health ATMs, Anganwadi

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિકાસનો વ્યાપ એટલો વિસ્તર્યો છે કે, દરેક ક્ષેત્રના દરેક વ્યક્તિને તે સ્પર્શે છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે એવો સ્પષ્ટ માહોલ સમગ્ર દેશમાં વિકાસની આ અવિરત વણઝારનાં પરિણામે જોવા મળી રહ્યો છે.

તેમણે કહ્યું કે, લોકસભાના ચૂંટણી ઢંઢેરામાં જે વચનો અને કામો કહ્યા હતાં તે તમામ કામો વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં આ સરકારે કરી બતાવ્યા છે. રામ મંદીરનું નિર્માણ, કલમ-૩૭૦ની નાબુદી સહિતના તમામ કાર્યો જે અસંભવ લાગતા હતા તે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં સંભવ થયા છે.

કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. અંતર્ગત ગાંધીનગર લોકસભા, અમદાવાદ પૂર્વ તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં રૂ. ૩૦૧૨ કરોડથી વધુના ૬૩ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

શ્રી અમિતભાઈ શાહે ૧૯૦૦ જેટલા LIG આવાસ, મુમદપુરા અંડરપાસ, ગોધાવી બ્રિજ, મલ્ટી પર્પઝ બિલ્ડીંગ, ૭ હેલ્થ ATM, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું.

તેમણે રેલવે અન્ડરબ્રીજ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, ૪૦ સ્માર્ટ સ્કૂલ, વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ડ્રેનેજ લાઈન્સ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, LIG આવાસ, વેસ્ટ કલેક્શન સેન્ટર અને બેરેજ કમ બ્રિજ સહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને ઔડા અને AMC ના રૂ. ૧૮૦૫ કરોડના વિકાસકામો તેમજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારના નાગરિકોને AMCના રૂ. ૧૨૦૬ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ મળી છે.

શ્રી અમિતભાઇએ આ પ્રસંગે વધુમાં કહ્યું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાછલા પાંચ વર્ષમાં ખાતમુહૂર્ત કરેલા વિકાસ કામોમાંથી ૯૧ ટકા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમણે કર્યું છે. ગાંધીનગર લોકસભા વિસ્તારની તમામ શાળા હવે અનુપમ સ્માર્ટ સ્કુલ બની જશે. વિકાસની વણથંભી વણઝાર રચવાના ભાજપાના સંસ્કાર છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં દેશના નાગરિકોને મળી રહેલા યોજનાકીય લાભ અંગે વાત કરતા શ્રી અમિતભાઇ શાહે કહ્યું કે, દેશના ૮૦ કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે. ૧૨ કરોડથી વધુ શૌચાલય તૈયાર કરવામાં આવ્યાં છે.

દેશમાં ૪ કરોડથી વધુ લોકોને ઘરનું ઘર મળ્યું છે. ૧૦ કરોડ લોકોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસનાં કનેક્શન પૂરાં પાડવામાં આવ્યા છે. ૧૪ કરોડ લોકોને નલ સે જલ યોજના અંતર્ગત નળ કનેક્શન મળ્યું છે. દેશના દરેક વ્યક્તિને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરક્ષિત અને સમૃદ્ધ કર્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતના શહેરો બેસ્ટ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોફ્રેન્ડલી અપ્રોચ સાથે ગ્લોબલ સિટીઝ બની રહ્યા છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરો સ્માર્ટ સિટીઝ બનવાની રાહે અગ્રેસર છે.

એન્વાયરમેન્ટ અને પ્રોગ્રેસ બંનેને સાથે રાખીને અમદાવાદ – વડોદરામાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તથા સુરતમાં ગ્રીન ગ્રીડ મિશન દ્વારા અર્બન ઇકોલોજી અને ગ્રીન સ્પેસને ડબલ એન્‍જિન સરકારે મહત્વ આપ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, લિવિંગ વેલ અને અર્નીંગ વેલના કન્સેપ્ટ સાથે શહેરી જનજીવન સુવિધા સભર બનાવવાનો રોડમેપ ગુજરાત સરકારે વિકસિત ગુજરાત @૨૦૪૭ના વિઝન ડોક્યુમેન્ટમાં રાખ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, ડબલ એન્જિન સરકારને પરિણામે વિકાસ કામોની સ્પીડ અને સ્કેલ વધ્યા છે. વિકાસ માત્ર વાતોમાં નહીં ધરાતલ ઉપર સાકાર કરનારી આ સરકાર છે એવો વિશ્વાસ સૌને બેઠો છે.

તેમણે ઉમેર્યું કે, ડબલ એન્જિન સરકારની વિવિધ યોજનાઓના સીધા લાભ લોકોને મળી રહ્યા છે. ગરીબ વંચિત કે દરેક વર્ગ આજે ‘મોદી કા પરિવાર’ તરીકેનું ગૌરવ લઈને નયા ભારતના નિર્માણમાં સક્રિય પણે જોડાયો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગત પખવાડિયામાં ગુજરાતને વડાપ્રધાનશ્રીએ આપેલા સવા લાખ કરોડ રૂપિયાના વિકાસ કામો, ઉપરાંત રાજયના વિવિધ જિલ્લાઓને મળેલા કુલ રૂ. ૭૭૦૦ કરોડના વિકાસ કામો તેમજ ગાંધીનગર સંસદીય મત વિસ્તારને પાછલા પાંચ વર્ષમાં કુલ રૂ. ૧૯,૩૦૦ કરોડના વિકાસ કામોનો ચિતાર આપ્યો હતો.

આ સંદર્ભે તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ ડબલ એન્જિન સરકારની વિકાસ ગતિ બમણી કરવાની ગેરંટી છે. ભારતને ત્રીજી મોટી ઈકોનોમી બનાવવા વડાપ્રધાનશ્રીએ જે સંકલ્પ કર્યો છે તે તેમની ત્રીજી ટર્મમાં આપણે ચોક્કસ સાકાર થતો જોઈશું.

તેમણે કહ્યું કે, દેશનો અમૃતકાળ શહેરી વિકાસ અને શહેરી સુખાકારીનો સુવર્ણકાળ બને એવું મોદી સાહેબનું વિઝન છે. અને વિકાસ કામોની આવી અવિરત વણઝારથી વિકસિત ગુજરાતની નેમ પાર પાડવામાં અમદાવાદ મહાનગર અગ્રેસર રહેશે.

આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અમદાવાદ શહેરનો સર્વાંગી વિકાસ નવા આયામ પર પહોંચ્યો છે. તેમણે કહ્યું કે, આજના પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુતથી શહેરીજીવનના સુખાકારીમાં વધારો થશે.

મેયરશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ દ્વારા અમદાવાદ આજે વિશ્વ ફલક પર પહોંચ્યું છે. તેમણે ઉપસ્થિત સૌને આહ્વાન કરતાં કહ્યું કે, આપણે સૌ સાથે મળી સહિયારા પ્રયાસથી વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાર્થક કરીએ.

આ પ્રસંગે સાંસદ શ્રી ડો.કિરીટભાઇ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વે શ્રી અમિતભાઈ શાહ, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી જીતુભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સુશ્રી પાયલ કુકરાણી, ભાજપા અગ્રણી શ્રી સુરેન્દ્ર પટેલ, મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્ર શાહ, મ્યુનિ. કમિશનર શ્રી એમ. થેન્નારસન, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન શ્રી કેશવ શર્મા તથા મ્યુનિ. પદાધિકારીઓ અધિકારીઓ, ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.