Western Times News

Gujarati News

કોઈ વ્યક્તિ મંદિરમાં ન જાય, સંતો પાસે સત્સંગ ન કરે, પરંતુ એમનું આચરણ પવિત્ર અને જીવન શુદ્ધ હોય તો તે સાચા ઉપાસક છે

આખો દિવસ ખરાબ ધંધા કરવા લોકોને લૂંટવાની તરકીબો કરવાની, ભ્રષ્ટાચાર આચરવાનો, ખાદ્ય પદાર્થાેમાં ભેળસેળ કરીને કમાણી કરવાની અને સવાર-સાંજ મંદિરમાં જઈને પોતાનાં પાપોને ધોવા માટે ઉપાસના કરવાની. શું એ ઉપાસના કહેવાય ?

જે લોકો એ રીતે ઈશ્વરને છેતરી શકે છે. એનો વિશ્વાસ ક્યારેય ન કરાય.

ઉપાસના એટલે ઈશ્વર નિર્મિત નિયમો-માર્ગ પર ચાલવું

દરેક વ્યક્તિ ઉપાસના કરતો હોય છે. દરેકના હૃદયમાં પરમેશ્વર બેઠેલો છે, એને તમારે જે નામ આપવું હોય તે આપો. પણ એની આરાધના થતી રહે છે. ઉપાસનામાં માણસ ધ્યાન દ્વારા પોતાના ઈષ્ટદેવનું ચિંતન કરતો હોય છે.

શ્રીમદ ભગવદ્‌ગીતા (૧૮/૬૬)માં કૃષ્ણ અર્જુનને કહે છેઃ બધા જ ધર્માેનો ત્યાગ કરીને માત્ર મારા જ શરણે આવ. તું દુઃખી ના થઈશ. હું તને તમામ પાપોમાંથી મુક્તિ અપાવીશ.

માણસે પોતાના તમામ વખાણોને કોરે મૂકીને કૃષ્ણના શરણે જવાનું છે, એની જ ઉપાસના કરવાની છે. કોણ કોની ઉપાસના કરે છે ? ઋગ્વેદમાં કહ્યું છેઃ જે દેહમાં આત્મા મૂકીને બળ પૂરું પાડે છે એની બધાં ઉપાસના કરે છે.

એના ઉત્તમ શાસનને જ દેવ પણ અનુસરે છે અને જેના શરણની છાયા મોક્ષ આપનારી છે અને પરેશ્વરની અમે ઉપાસના કરીએ. ઉપાસના માત્ર પરંપરાગત રૂઢિ પ્રમાણે જ કરવાની હોય તો એનો અર્થ નથી.

જેમ કે, પૂજારી પોતાની દર પેઢી પૂજા કરતો હોય તો તે ઉપાસના નથી. એ તો માત્ર એક પ્રક્રિયા છે, એનું મહત્ત્વ તો એની ગુણાત્મકતા સાથે રહેલું છે. શ્રદ્ધા વિનાની ઉપાસનાનો કોઈ અર્થ નથી. જેની પૂજા કરીએ છીએ એ એક મહાન તેજ પુંજ છે, ઉપાસક પણ પ્રકાશ પુંજ છે. જેમ એક દીવાથી બીજો દીવો પ્રગટે છે, પ્રકાશથી પ્રકાશ તરફની ગતિ એ જ ઉપાસના છે, ઈશ્વર નિર્મિત નિયમો-માર્ગ પર ચાલવું એ જ ઉપાસના. જે ઉપાસના કરે છે એના મનમાં એકાગ્રતા કે વૈરાગ્યનો ભાવ ન હોય તો,

એ માત્ર છળકપટ જ છે. દંભી લોકો અતિ શ્રદ્ધાવાન હોવાનો દેખાડો કરતા હોય છે, એ જ માત્ર સાચા ઉપાસક છે, એવી પોતાની પ્રતિભા ઊભી કરવા માટે જુદા જુદા નુસખા અપનાવતા હોય છે. જે લોકો એ રીતે ઈશ્વરને છેતરી શકે છે. એનો વિશ્વાસ ક્યારેય ન કરાય. આચાર્ય તુલસીએ ક હ્યું છેઃ સીધી સાદી વાત એ છે કે, વ્યક્તિ મંદિરમાં જાય કે ન જાય, સંતો પાસે સત્સંગ કરે કે ના કરે, પરંતુ એમનું આચરણ પવિત્ર અને જીવન શુદ્ધ હોય તો તે સાચા ઉપાસક છે.

ભગવદ્‌ગીતા (૯-૨૬)માં કહ્યું છેઃ જે કોઈ ભક્ત પત્ર, પુષ્પ, ફળ કે જળ વગેરે ભક્તિપૂર્વક મને અર્પણ કરે છે ત્યાંથી જ ભક્તિનો પ્રારંભ થાય છે. મનથી પ્રયત્ન કરનારાને ભક્તનું હું સર્વ સ્વીકારું છું. માણસ પોતાની વૃત્તિઓ અને ઈન્દ્રિયોનો સંયમ રાખે તથા ઈશ્વરની સાથે એક્ય સાધે તો એની ઉપાસના પૂર્ણાત્વ પામે છે. ઉપાસ્ય અને ઉપાસકનું અદ્ધૈત સધાય એ જ એની ઉત્તમ ઉપાસના છે.

ઉપાસના એ કોઈ વસ્ત્ર નથી કે એક વખત પહેરીને પછી મૂકી દેવાય. ઉપાસના તો સતત જાગૃતિનો યજ્ઞ છે. એ યજ્ઞમાં હવિ હોમાતું રહે એ જરૂરી છે. માત્ર પ્રસંગોપાત ભક્તિનો દેખાડો કરવાનો હોય તો આપણો ઈષ્ટ દેવ પણ સમજી શકતો હોય છે. હાથમાં માળા અને હૈયામાં લાળા હોય તો એ ભક્તિનો કોઈ અર્થ ખરો ? માણસ ઉપાસના કરે કે ના કરે પણ એના જીવન વ્યવહારમાં વિકૃતિ આવવી જોઈએ નહીં.

વિધિ-વિધાન એ ઉપાસના નથી. એવું કહેવાય છે કે, જેનાં રાત-દિવસ ઉપાસના વિના વીતે છે, તે શ્વાસ લે છે પણ જીવતો નથી. શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ જીવન નથી. ગાંધીજીએ કહ્યું છેઃ પૂજા યા પ્રાર્થના વાણીથી નહીં, હૃદયથી કરવી જોઈએ. માત્ર હોઠથી કરેલી પ્રાર્થના હૃદય સુધી પહોંચતી નથી. ઉપાસનાનો સંબંધ માણસની મનોવૃત્તિ સાથે સંકળાયેલો છે. એમાં જ્ઞાતિ કે વર્ણ ગૌણ બની જાય છે.

કબીર સાહેબ કહે છેઃ પાહન પૂજે તો હરિ મિલે તો મેં પૂજે પહાર. પથ્થરોની પૂજા કરવાથી હરિ મળે તો અમે આખા ને આખા પર્વત પૂંજીએ. ઉપાસના તો સ્વયં સાધના છે. એમાં મંદિરમાં જવાની જરૂર નથી. સાધના કોઈપણ સ્થળે થઈ શકે છે. બાહ્યાચારની જરૂરનથી, આપણું આંતરિક વિશ્વ વિકસિત બને એનો પ્રયત્ન કરવો જોઈએ. ઉપાસના દ્વારા વ્યક્તિને શાંતિ અને સમાધિનો અનુભવ ના કરાવે તો એનો કોઈ જ અર્થ નથી.

સ્વામી રામતીર્થે કહ્યું છેઃ ઉચ્ચ અવસ્થાનું નામ ઉપાસના છે. જેના રોમેરોમમાં રામ રમે, મન અમૃતથી ભીંજાઈ જાય અને દિલ આનંદમાં ડૂબી જાય. તેથી મહર્ષિ અરવિંદે કહ્યું છેઃ ઉપાસ્ય બનવાનો પ્રયત્ન કરો. સૌ પ્રથમ તો આપણે ઉપાસના કરવાની યોગ્યતા મેળવવી પડે. આપણું મન અને વૃત્તિમાં વાસનામાં ઓળઘોળ હોય તો ઉપાસના કેવી ?

માણસનો આચાર અને વિચાર શુદ્ધ ન હોય, અને તે ઉપાસનાનો દેખાડો કરતો હોય તો એનો અર્થ છે માનસિક એકાગ્રતા અને સાધના. સુભદ્રાકુમારી ચૌહાણે કહ્યું છેઃ ધૂપ-દીપ-નૈવેદ નહીં હૈ, હાય. ગલે મેં પહનાને કો હાર ભી નહીં, મૈ અકેલી પ્રેમ કી લોભીન, હૃદય દિખાને આયી હૂં, જેનું હૃદય પવિત્ર છે. શુદ્ધ છે, એને ફૂલમાળાઓની જરૂર નથી. કેટલીક જગ્યાએ ઉપાસનાના નામે લડાઈ-ઝઘડા થતા હોય, ક્રિયાકાંડના તોફાનો થતાં હોય, સ્વાર્થ-લોભ-લાલચ અને ધોખો કરાતો હોય, એ ઉપાસના પણ ઝેરી બની જાય છે.

આખો દિવસ ખરાબ ધંધા કરવા લોકોને લૂંટવાની તરકીબો કરવાની, ભ્રષ્ટાચાર આચરવાનો, ખાદ્ય પદાર્થાેમાં ભેળસેળ કરીને કમાણી કરવાની અને સાંજે મંદિરમાં જઈને પોતાનાં પાપોને ધોવા માટે ઉપાસના કરવાની. શું એ ઉપાસના કહેવાય ? ઉપાસના તો જીવન સંસ્કાર છે, જે આપણી જીવનશૈલીમાં સુચારું પરિવર્તન લાવી શકે છે. વિશ્વની સાથે ઐક્ય સાધવાનું છે.

રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છેઃ વિશ્વને વંચિત રાખીનેઉપાસના થઈ શકે નહીં. તો માધ્વાચાર્યને કહ્યું છેઃ ભક્તિ જ્ઞાનથી જુદી નથી. એવી ભક્તિ કે જે દીન-દુખિયાનો સહારો બની રહે. તુકારામે કહ્યું છેઃ દીન-દુનિયાની સેવા જ પ્રભુની પૂજા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.