ચૂંટણી પંચ ગુજરાતમાં વધુ એક મોટી કાર્યવાહી કરે તેવી શક્યતા
ગુજરાત સહિત ૪ રાજ્યમાં ડીએમ-એસપી બદલવા પંચનો આદેશ-ગુજરાતમાં છોટા ઉદેપુર તથા અમદાવાદના રુરલ ડિસ્ટ્રિક્ટના સુપરિન્ટેડન્ટન્ટ ઓફ પોલીસની બદલી કરવામાં આવી હતી.
(એજન્સી)નવી દિલ્હી, ચૂંટણી પંચે ફરી એકવાર મોટી કાર્યવાહી કરતાં નોન કેડર ઓફિસર્સની બદલીનો આદેશ જાહેર કર્યો છે. આ વખતે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (એસપી) તરીકે તહેનાત અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ડીએમ અને એસપીના પદ ક્રમશઃ ભારતીય વહીવટી અને ભારતી પોલીસ સેવાના અધિકારીઓ માટે હોય છે.
ગુજરાતમાં છોટા ઉદેપુર તથા અમદાવાદના રુરલ ડિસ્ટ્રિક્ટના સુપરિન્ટેડન્ટન્ટ ઓફ પોલીસની બદલી કરવામાં આવી હતી. જ્યારે પંજાબમાં પઠાણકોટ, ફાઝીલકા, જલંધર ગ્રામીણ તથા માલેરકોટલા જિલ્લાના એસએસપીની બદલી કરવામાં આવી છે. ઓડિશામાં ધેકાનેલના ડીએમ અને દેવગઢ તથા કટર ગ્રામીણના એસપીની બદલી કરવામાં આવી હતી.
આ સાથે પ.બંગાળના પૂર્વ મેદિનીપુર, ઝારગ્રામ, પૂર્વ બર્ધમાન અને બિરભૂમ જિલ્લાના ડીએમની બદલીના આદેશ બહાર પડાયા છે. ઉપરાંત ચૂંટણી પંચે પંજાબમાં ભઠિંડાના એસએસપી, આસામના સોનિતપુરના એસએસપીને પણ બદલી નાખવામાં આવ્યા છે કેમ કે રાજનેતાઓ સાથે તેમના પારિવારિક સંબંધો સાબિત થયા છે. આગાઉ ચૂંટણી પંચે છ રાજ્યોના સચિવને હટાવવાનો આદેશ આપ્યો હતો,
જેમાં ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના એસ સિદ્ધાર્થ, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલના ગૃહ સચિવ અને પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને પણ હટાવી દેવાયા હતા. આ ઉપરાતં મિઝોરમ-હિમાચલમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવાયા હતા.
ચૂંટણીપંચે ૧૬ માર્ચે ૭ તબક્કામાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. એ બાદ તરત જ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યની ૧૦૨ બેઠક માટે મતદાન થવાનું છે. આચારસંહિતા લાગુ થતાં એના ભંગની ફરિયાદો પણ નોંધાવા લાગી છે.