GTU સંલગ્ન તમામ કૉલેજમાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમનું કરાશે આયોજન
મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી વચ્ચે થયા MoU-મતદાન જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગીદારી અન્વયે કરાયા MoU
આજનો યુવાન એ આવતીકાલનો જવાબદાર નાગરિક છે. યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા ફર્સ્ટ ટાઇમ વોટર અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગિતા અંગે MoU કરવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં GTU સંલગ્ન તમામ કોલેજોમાં ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ MoU અંતર્ગત ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના યુવાનોમાં મતદાન પર્વના મહત્ત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલર શ્રી ડો.પંકજકુમાર પટેલે લોકશાહીના મહાપર્વમાં જાગૃત નાગરિક તરીકે સહભાગી થવા માટે યુવાનોને આહવાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સૌ યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા હતા.
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આગામી દિવસોમાં શહેર-જિલ્લાની વધુમાં વધુ શૈક્ષિણક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં યુવા મતદારોની સક્રિય ભાગીદારી વધે તે સંદર્ભે MoU કરવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના રજિસ્ટ્રાર શ્રી ડૉ. કે.એન.ખેર, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તથા સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તે દિશામાં અમદાવાદ ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે, એવું સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.