ગુરૂવાર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો ૪૩ને પાર જશે
અમદાવાદ, રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાતે ઠંડક અને બપોર થતા કાળઝાળ ગરમી અનુભવાય છે. તો બીજી બાજુ પોરબંદર, કચ્છ અને ગીર સોમનાથમાં તો હીટવેવની સ્થિતિ પણ ઉદ્ભવી હતી.
ત્યારે આજથી ગુજરાતમાં કોઇપણ જગ્યાએ હીટવેવની ચેતવણી કરવામાં આવી નથી. તો બીજી બાજુ રાજ્યમાં બેવડી ઋતુમાં રોગચાળાની સ્થિતિ તેમજ ઉનાળાને લઈ હિટ સ્ટોક કે લુ લાગતા દર્દીઓ આવે તો તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો આજે આપણે જોઇએ કે, ગુજરાતના હવામાનમાં આગામી પાંચ દિવસ કેવા કેવા બદલાવ થઇ શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આજથી સાત દિવસ સુધી દીવ, દાદરાનગર હવેલી સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે.
વરસાદની કોઇ શક્યતા નથી. પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદના વાતાવરણ અંગે જણાવતા માહિતી આપી છે કે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ૨૬, ૨૭ અને ૨૮ માર્ચ દરમિયાનનો ગાળો ભયંકર રહેશે તેમ જણાવ્યુ છે. આ ચાર દિવસના સમયમાં ગુજરાતના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર જવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે.
કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી જવાની પણ શક્યતાઓ હોવાનું તેઓ જણાવે છે. આ સાથે તેમણે આ ગાળા દરમિયાન બપોરના સમયે બિનજરુરી બહાર ન નીકળવાની સલાહ પણ આપી રહ્યા છે. આ સિવાય જેઓ ખુલ્લા વાહનો કે ટુ-વ્હીલર પર ફરતા હોય તેમણે કાળજી રાખવી જોઈએ.SS1MS