Western Times News

Gujarati News

અજિત મિલ પાસે સુમેલ કોમ્પ્લેક્સમાં ધમધમતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

પ્રતિકાત્મક

શહેરના રખિયાલમાંથી ૮.૨૨ લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ

(એજન્સી)અમદાવાદ, ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ ડ્રગ્સ માફિયાઓએ પોતાનું નેટવર્ક અમદાવાદ સહિત ગુજરાતમાં એવી રીતે ઘુસાડી દીધું છે કે જેનો હિસ્સો એજ્યુકેટેડ લોકો પણ બની ગયા છે.યુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડૂબી ગયા છે કે હવે ડ્રગ્સ માફિયાઓને ફાવતું મળી ગયું છે. Drug network busted in Sumael complex near Ajit Mill

ડ્રગ્સ માફિયાઓને તો પોલીસ રોકી રહી છે, પરંતુ નશો કરનારને પકડવા માટે પણ પોલીસે એક અભિયાન શરુ કર્યું છે. શહેરમાં એમડી ડ્રગ્સ મહાસંકટ બની ફેલાઈ રહ્યું છે, જેને રોકવા માટે પોલીસ એલર્ટ છે અને યુવાઓને ડ્રગ્સની લતથી બચાવી રહી છે. થોડા દિવસ પહેલાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે અમદાવાદ યુનિવર્સિટી પાસે એમડી ડ્રગ્સનું વેચાણ કરતાં પેડલરની ધરપકડ કર્યા બાદ વધુ એક સફળતા મળી છે.

એસઓજીએ રખિયાલ વિસ્તારમાં આવેલા અજિત મિલ સર્કલ પાસેના સુમેલ કોમ્પ્લેક્સની એક દુકાનમાંથી ૮.૨૨ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે પેડલરની ધરપકડ કરી છે.સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને બાતમી મળી હતી કે બાપુનગર વિસ્તારમાં આવેલી મણિલાલની ચાલીમાં રહેતા મહંમદ સલીમ પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે અને તે હાલ અજિત મિલ સર્કલ પર આવેલા સુમેલ કોમ્પ્લેક્સની દુકાન નંબર બી-૩૧ માં હાજર છે.

બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલિક રખિયાલ નજીક આવેલા અજિત મિલ સર્કલ પર પહોંચી ગઈ હતી. એસઓજીએ સુમેલ કોમ્પ્લેક્સની દુકાન નં. બી-૩૧૨ માં પહોંચી ત્યારે એક યુવક ત્યાં હાજર હતો.યુવકનું નામ મહંમદ સલીમ હતું.જેથી એસઓજીએ તેની અંગ ઝડતી કરી હતી. સલીમ પાસેથી વ્હાઈટ પાઉડર મળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

એસઓજીની ટીમે તાત્કાલિક એફએસએલની ટીમને પણ બોલાવી લીધી હતી. એફએસએલની ટીમે ઘટના સ્થળે જઈને વ્હાઈટ પાઉડરનું પરીક્ષણ કરતાં તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. એફએસએલએ રિપોર્ટ આપતાંની સાથે જ સલીમની ૮.૨૨ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી લીધી હતી. એસઓજીએ સલીમની આગવી સ્ટાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે ભરતનામનો યુવક તેને ડ્રગ આપીને ગયો હતો.

એસઓજીએ ભરતનો નંબર લઈેન ચેક કરતાં તે રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ ક્રાઈમ બ્રાંચમાં સલીમ તેમજ ભરત વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ, ક્રાઈમ બ્રાંચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓએ એમડી ડ્રગ્સના નેટવર્કનો જ્યારે પણ પર્દાફાશ કર્યાે છેત્યારે મુંબઈના ડ્રગ્સ માફિયાઓનુ નામ દરેક વખતે સામે આવ્યું છે.

એમડી ડ્રગ્સ વેચવાની શરુઆત મુંબઈથી થઈ અને અમદાવાદ સુધી પહોંચી છે ત્યારે હવે રાજસ્થાન પણ ચર્ચામાં આવી રહ્યું છે. અમદાવાદના ડ્રગ્સ માફિયા હવે મુંબઈથી એમડી ડ્રગ્સ મંગાવવાની જગ્યાએ રાજસ્થાનથી મંગાવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ મોડી રાતે એસઓજીની ટીમે કર્યાે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.