Western Times News

Gujarati News

46 વર્ષની વયે પત્નિની હત્યા કરી 27 વર્ષ પછી 25 વર્ષની સજા

27 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરનાર પતિને 73 વર્ષેની વયે જેલની સજા મળી

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી તેના ૨૭ વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટમાં તેને ૨૫ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે હત્યા કર્યા પછી ટ્રાયલ કોર્ટમાં પતિ તરત નિર્દોષ છુટી ગયો હતો, પરંતુ હાઈકોર્ટમાં તેને કોઈ રાહત મળી નથી. આ મર્ડરને પણ ત્રણ દાયકા થઈ ગયા છે અને હાલમાં પતિની ઉંમર ૭૩ વર્ષ છે. A husband who killed his wife 27 years ago was jailed at the age of 73

જીવરાજ કોળીએ ૧૯૯૭માં તેની પત્નીની હત્યા કરી હતી. આ કેસમાં ટ્રાયલ કોર્ટે તેને લગભગ ૨૫ વર્ષ અગાઉ નિર્દોષ જાહેર કર્યો હતો. પરંતુ પછી આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો જેણે જીવરાજ કોળીને શંકાનો લાભ નથી આપ્યો અને ૨૫ વર્ષની જેલની સજા સંભળાવી છે. જસ્ટીસ એ એસ સુપેહિયા અને જસ્ટિસ વી કે વ્યાસની બેન્ચે તેને શરણે આવવા માટે છ સપ્તાહનો સમય આપ્યો છે.

હત્યા જેવા ગંભીર કેસમાં જીવરાજ કોળી ટ્રાયલ કોર્ટમાં નિર્દોષ છુટી ગયો ત્યાર પછી તેની સામે રાજ્ય સરકારે ૧૯૯૯માં અપીલ ફાઈલ કરી હતી. પરંતુ આ અપીલ પર પ્રોસિક્યુશન કરવામાં રાજ્ય સરકારને બે દાયકા કરતા વધુ સમય લાગી ગયો તે અંગે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જજે કહ્યું કે હત્યારા પતિને જેલમાં મોકલવાની અને મહત્તમ સજા કરવાની જરૂર છે. “કાયદો બહુ સખત છે, પરંતુ કાયદો આખરે કાયદો છે.”

કેસની વિગત અનુસાર માર્ચ ૧૯૯૭માં રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે રહેતા જીવરાજ કોળીએ તેની પત્ની સવિતાને છરીના અનેક ઘા મારીને તેની હત્યા કરી હતી. સવિતાએ જીવરાજ પાસે ભરણપોષણ માગ્યું હતું અને તેની સામે કોર્ટમાં ગઈ હતી તેથી જીવરાજ ગુસ્સામાં હતો. હત્યા કર્યા પછી જીવરાજે સૌથી પહેલાં એક પોલીસ કોન્સ્ટેબલ સમક્ષ ગુનાનો એકરાર કર્યો. ત્યાર પછી પોલીસની શરણે આવી ગયો હતો.

કોળી સામે ગોંડલની સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેણે શંકાનો લાભ આપીને તેને નિર્દોષ છોડી મૂક્યો હતો. રાજ્ય સરકારે આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી. સાક્ષીના નિવેદનો અને વૈજ્ઞાનિક પૂરાવા તથા રિપોર્ટના આધારે હાઈકોર્ટે જીવરાજ કોળીને તેની પત્નીની હત્યાના કેસમાં દોષિત જાહેર કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ઈજાનો પ્રકાર દર્શાવે છે કે આરોપી હત્યા કરવાનો દૃઢ ઈરાદો ધરાવતો હતો અને પોતાના કૃત્ય વિશે તેને પૂરી જાણકારી હતી. આ કેસ આઈપીસીના સેક્શન ૩૦૦ના પ્રથમ અને બીજા ક્લોઝમાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.