Western Times News

Gujarati News

7 એપ્રિલ સુધી ભારતમાં આ ભાગોમાં વરસાદ અને આંધી તોફાનની આશંકા

એપ્રિલની શરૂઆતમાં જ અનેક ઠેકાણે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયું છે ઃ આટલી ગરમીમાં પણ કેટલાક રાજ્યોમાં વરસાદે માઝા મૂકી છે

(એજન્સી)નવી દિલ્હી, ઉત્તર ભારત સહિત સમગ્ર દેશના વિવિધ ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. એપ્રિલની શરૂઆતમાં જ અનેક ઠેકાણે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જો કે આટલી ગરમીમાં પણ કેટલાક રાજ્યોમાં વરસાદે માઝા મૂકી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સાત એપ્રિલ સુધી પૂર્વોત્તર ભારતમાં વરસાદ અને આંધી તોફાનની આશંકા છે. બીજી બાજુ અનેક રાજ્યો માટે હીટવેવની આગાહી પણ અપાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ નોર્થ ઈન્ટીરિયર કર્ણાટકમાં હીટવેવની સ્થિતિ જોવા મળી છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ગિલગિટ, હિમાચલ પ્રદેશમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ જોવા મળ્યો. બીજી બાજુ અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ જેવા રાજ્યોમાં પણ વરસાદ રેકોર્ડ થયો છે.

હવામાન વિભાગની આગાહી છે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદાખમાં આગામી ત્રણ દિવસ સુધી તથા ઉત્તરાખંડમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આ રાજ્યોમાં હિમવર્ષા પણ થશે. અન્ય રાજ્યોની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી વરસાદ, આંધી તોફાન તથા વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે.

ગરમીની વાત કરીએ તો હાલમાં વિદર્ભ, છત્તીસગઢ, મરાઠાવાડા, તેલંગણા, ઈન્ટીરિયર કર્ણાટક, રાયલસીમા, સાઉથ ઈસ્ટ ઉત્તર પ્રદેશ, ઉત્તરી ઈન્ટીરિયર ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, તટીય આંધ્ર પ્રદેશ, સાઉથ ઈન્ટીરિયર, તમિલનાડુમાં મહત્તમ તાપમાન ૪૦-૪૨ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયુ છે.

મણિપુર, ત્રિપુરા, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, ઉત્તરી ઈન્ટીરિયર કર્ણાટક, ઓડિશા, વિદર્ભ, સાઉથ વેસ્ટ રાજસ્થાન, સેન્ટ્રલ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં લઘુત્તમ તાપમાન નોર્મલથી ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયુ છે. પૂર્વ ભારતમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ૩ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે.

રાજ્ય હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા સમયમાં ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે ચાર દિવસ બાદ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કાલે ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ ૩૮.૭ ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું. કચ્છમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે. તાપમાન ૪૦ ડિગ્રી સુધી જવાની શક્યતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.