વડોદરા, અમદાવાદના શખ્સે એજન્ટ મારફતે અનેક શહેરોમાં ઠગાઈ કર્યાની રાવ
હોસ્પિટાલિટી કંપનીએ દાહોદમાં પણ મેમ્બરના નામે ઠગાઈ કરી
દાહોદ, વડોદરાની પાર્ક પ્રીવેરા હોસ્પિટાલીટી પ્રાઈવેટ કંપની લિમિટેડના માલિકે પોતાના એજન્ટ દ્વારા દાહોદના ચાર જણાને કંપનીના મેમ્બર બનાવી રૂપિયા ૧૦.૩૦ લાખ કંપનીના ખાતામાં જમા કરાવડાવી કોઈ સગવડ નહી આપી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો હતો.
બહાર પ્રવાસે જાઓ ત્યારે તમોને અમારી કંપની તરફથી રહેવાની તથા જમવાની સગવડ કરી આપવાની લાલચ આપી વડોદરા તથા અમદાવાદના બે ભેજાબાજ ઠગોએ પોતાના એજન્ટ મારફતે દાહોદના ચાર જણાને તેમની કંપનીના મેમ્બર બનાવી કંપનીના ખાતામાં તે ચારે જણા પાસેથી કુલ મળી રૂ.૧૦.૩૦ લાખ જેટલી રકમ જમા કરાવડાવી તેમનો ટોલ ફ્રી નંબર આપ્યા બાદ તે બંને ઠગોએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી ઠગાઈ કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
વડોદરાની પાર્ક પ્રિવેરા હોસ્પિટાલીટી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક અને ડાયરેકટર રાહુલ ગુપ્તા તથા અમદાવાદના અલી અન્સારી તે બંને એ પોતાના એજન્ટમારફતે ગત તા.૩.૧.ર૦ર૧ના રોજ જાલત ગામે આવેલ અવંતિકા રિસોર્ટ ખાતે દાહોદની વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા અંકિત પંચાલ, કલ્પેશ સોન્ડાગર, સચિન મુનિયા તથા છાયાબેન ચિંતનભાઈ દાની એમ ચારે જણાને પોતાની કંપનીના મેમ્બર બનાવી
અંકિતભાઈ ચંદ્રવદનભાઈ પંચાલ પાસેથી રૂપિયા ૩,૧૦,૦૦૦/- કલ્પેશભાઈ ધીરજલાલ સોન્ડાગર પાસેથી રૂ.ર,૪૦,૦૦૦/-, સચિન કુમાર શશીકાંતભાઈ મુનિયા પાસેથી રૂ.૩,૧પ,૦૦૦/- તેમજ છાયાબેન ચિંતનભાઈ દાની પાસેથી રૂપિયા ૧,૬પ,૦૦૦/- અલગ અલગ રીતે પાર્ક પ્રીવેરા હોસ્પિટાલીટી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ખાતામાં જમા કરાવડાવ્યા હતા.
ત્યારબાદ ઉપરોકત ચારેય જણાને ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો હતો. પ્રવાસમાં રહેવા જમવાની સગવડ કંપની દ્વારા કરી આપવામાં આવશે. જયારે તેઓ પ્રવાસે ગયા અને રહેવા તથા જમવાની સગવડ માટે તેઓએ એજન્ટ દ્વારા આપવામાં આવેલ ટોલ ફ્રી નંબર પર ફોન લગાવ્યો ત્યારે ફોન સ્વીચ ઓફ આવતા
તેઓએ તે કંપનીના ડાયરેકટર અને માલિક રાહુલ ગુપ્તા તેમજ અમદાવાદના અલી અન્સારીના નંબર પર ફોન લગાવતા તે બંનેના પણ ફોન સ્વીચ ઓફ આવતા દાહોદના ઉપરોકત ચારેય જણાને પોતે ઠગાયા હોવાનો અહેસાસ થતા તેઓ ચાર પૈકીના દાહોદ વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા અંકિત પંચાલે કતવારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરાઈ હતી.