Western Times News

Gujarati News

વ્યાજખોરના ત્રાસથી પિતાના આપઘાત બાદ પુત્રએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો

Files Photo

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં વ્યાજખોરોનો આતંક યથાવત રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.એક વ્યાજખોરના ત્રાસ અને ધમકીથી દેવાદારે આપઘાત કર્યા બાદ વ્યાજખોરે રૂપિયાની ઉઘરાણી આપઘાત કરનારના પુત્ર પાસે કરી ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવા

અને જેલ ભેગો કરી દેવાની ધમકી આપતા મરણજનારના પુત્રએ પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર હેઠળ છે.જે પ્રકરણમાં પોલીસે આખરે પિતાના મોત અને પુત્રના આપઘાતના પ્રયાસ મામલે વિધવા મહિલાની ફરિયાદના આધારે વ્યાજખોર સામે દુષ્પ્રેરણા અને ખાંડણીનો ગુનો દાખલ કરી વ્યાજખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ જૂની વાડી વસંત મિલ ની ચાલ વિસ્તારમાં રહેતી ૫૦ વર્ષીય વિધવા મહિલા નિમુબેન ભરતભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે મારો પતિ ભરત સોલંકીએ ચાવજ નજીકની એક હોસ્પિટલમાં નોકરી કરતા હતા

અને ૧૫ મહિના અગાઉ ઘરના રીનોવેશન માટે રૂપિયાની જરૂર પડતા આ બાબતે અમારા જમાઈ કૃણાલ ને મારા પતિએ કહેલ કે મકાન બનાવવા માટે રૂપિયાની જરૂર છે.જેથી જમાઈએ કહેલ કે હમણાં રૂપિયાની સગવડ થાય તેમ નથી જેથી મારા પતિએ ભીડભંજન ની ખાડીમાં રહેતા દિનેશભાઈ વીરજીભાઈ સોલંકી અમારા સમાજના હોય

અને તેઓ વ્યાજે રૂપિયા આપતા હોય જેથી અમોના પતિએ ૪ લાખ રૂપિયા માસિક ૧૦ ટકા લેખે આપેલ હતા અને અમોના પતિ રૂપિયા આપી શકે તેમ ન હોય તેવી બીકે દિનેશ વીરજી સોલંકી મારા જમાઈ કૃણાલના ઘરે સુરત ગયા હતા અને દિનેશભાઈએ મારા જમાઈ કૃણાલનું ઘરબાર દેખીને જમાઈને કહેલ કે હું તમારા સસરાને માસિક ૧૦ ટકા લેખે ૪ લાખ રૂપિયા આપીશ

પરંતુ સિક્યુરિટી પેટે મને તમારે નોટરી રૂબરૂ રૂપિયા હાથ ઉછીના લીધા છે.તે અંગેનું લખાણ આપવું પડશે અને બે કોરા ચેક આપવા પડશે.જેથી જમાઈએ પણ હા પાડેલ હતી અને તે મુજબ લખાણ થયા બાદ સસરા ભરત સોલંકીને વ્યાજખોરે ૪ લાખ રૂપિયા ઓછીના આપ્યા હતા.ભરત સોલંકીએ રૂપિયા લીધા બાદ પોતાના ઘરની ઉપર રિનોવેશનનું કામ કરાવ્યું હતું અને વ્યાજખોર દર માસિક તેને ફોન કરી રૂપિયાની માંગણી કરતો હતો

અને ભરત સોલંકી સતત દિનેશ સોલંકીને ટુકડે ટુકડે રોકડ રકમ આપતો હતો.છતાં દિનેશ સોલંકી ભરત સોલંકીની દીકરી અને જમાઈ ઉપર ફોન કરી રૂપિયાની માંગણી કરી ગાળો ભાંડી વારંવાર હેરાન કરતા અને સતત ભરત સોલંકીને વ્યાજખોર દિનેશ સોલંકી પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા આખરે ભરત સોલંકીનો મોબાઈલ તેમની પત્ની નિમુબેન સોલંકીએ લઈ લીધો

અને તે દરમ્યાન નિમુબેન ની માતા બીમાર પડતા તેઓ મોબાઈલ લઈ ભાવનગર આનંદ નગર ખાતે ગયા હતા અને તારીખ ૨૪-૦૨-૨૦૨૪ ના રોજ તેમના પતિ ભરત સોલંકીએ આપઘાત કર્યો હોવાની જાણ પુત્રએ કરતા ફરિયાદીએ તાત્કાલિક વ્યાજખોરને ફોન કર્યો હતો.પરંતુ તેને ફોન દીકરીને આપી દીધો હતો.જેથી ફરિયાદીના પતિ ભરત સોલંકીના આપઘાત પાછળ વ્યાજખોર જ જવાબદાર હોય તેવા આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ હતી.

પતિના આપઘાત બાદ પણ વ્યાજખોરે ફરિયાદીના દીકરાને પણ જેલમાં ધકેલી દેવા અને વ્યાજખોરે તેની દીકરી પાસે અરજી કરાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આખરે ફરિયાદીના પુત્રએ પણ રડતી આંખે વિડીયો બનાવી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા આખરે ફરિયાદ નોંધવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.