અમદાવાદ જિલ્લાની શાળાઓના 80,000 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં સિગ્નેચર કેમ્પેઈન, મતદાન સંકલ્પ, પ્રભાત ફેરી રેલી, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનું આયોજન
દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે સ્વિપ (SVEEP) પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ગ્રામ્યજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાં ગામોમાં મતદાન જાગૃતિના સક્રિય અભિયાન અંતર્ગત જિલ્લાની કુલ 600 શાળાઓના 80,000 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા જેતે વિસ્તારમાં પ્રભાત ફેરી અને રેલી દ્વારા મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા તથા લોકશાહીના પર્વમાં વધુને વધુ નાગરિકો સહભાગી થઈને ફરજિયાત મતદાન કરે તે માટે વિવિધ પોસ્ટર અને બેનરના માધ્યમથી જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈન, મતદાન સંકલ્પ, પ્રભાત ફેરી રેલી, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.