સૈફ અલી ખાન ૧૭ વર્ષ પછી ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ સાથે કામ કરશે
સૈફ અલી ખાનની છેલ્લી ફિલ્મ ‘આદિપુરુષ’ ફ્લોપ હતી
ફિલ્મનું નામ ‘જ્વેલ થીફ’ હોવાની અટકળોઃ બંનેએ છેલ્લે ‘તારા રમપમ’માં સાથે કામ કર્યું હતું
મુંબઈ,સૈફ અલી ખાનની છેલ્લી ફિલ્મ ‘આદિપુરુષ’ ફ્લોપ સાબિત થઈ હતી. છેલ્લાં કેટલાંક સમયથી તેની આગામી ફિલ્મની કોઈ ચર્ચા નહોતી પણ લેટેસ્ટ અહેવાલ પ્રમાણે સૈફ એક મોટા ડિરેક્ટર સાથે કામ કરે તેવી સંભાવના છે, જેમની સાથે તેણે ૧૭ વર્ષ પહેલા કામ કર્યું હતું અને કુલ બે ફિલ્મ કરી છે. તાજેતરમાં સૈફઅલી ખાન એક જગ્યાએ ‘પઠાન’ અને ‘ફાઇટર’ જેવી મોટી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની સાથે જોવા મળ્યો હતો.
બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને ભેટીને કેમેરામાં પોઝ આપતા જોવા મળ્યા. આ વીડિયા સામે આવ્યા પછીથી બંને ફિલ્મમાં સાથે કામ કરે તેવી ચર્ચા શરુ થઈ છે. તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સિદ્ધાર્થ પોતાના પ્રોડક્શન હાઉસ માર્કલિક્સના બેનર હેઠળ ફિલ્મ પ્રોડ્યુસ કરશે, જેમાં ભરપુર એક્શન અને એક શાનદાર કહાની જોવા મળશે.
આ પ્રોજેક્ટ માટે સૈફઅલી અને સિદ્ધાર્થે જોડાણ કર્યું હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું નામ ‘જ્વેલ થીફ’ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં સૈફઅલીની સાથે જયદીપ અહલાવત પણ જોવા મળશે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે સૈફ અને સિદ્ધાર્થની આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવશે.
આ ફિલ્મમાં સૈફ બિલકુલ નવા અવતારમાં જોવા મળશે. ૧૭ વર્ષ પહેલા બંને એક સાથે ફિલ્મ કરી ચુક્યા છે. વર્ષ ૨૦૦૭માં ‘તા રા રમ પમ’ નામથી સૈફઅલી ખાનની ફિલ્મ આવી હતી, સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સરેરાશ દેખાવ કર્યો હતું. આ પહેલાં ૨૦૦૫માં બંનેએ ‘સલામ નમસ્તે’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.ss1