અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી અનેક લોકો સાથે છેતરપીંડી કરતા ભુવાઓથી સાવધાન રહો
ભુવાએ તાંત્રિક વિધિના બહાને ૧૪ લાખ પડાવી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું -પોલીસે પરીણીતાની ફરિયાદને આધારે નરાધમ ભુવા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત, સુરતના સરથાણામાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશ માં આવી હતી.. સરથાણા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ભુવાએ તાંત્રિક વિધિના બહાને મહિલા પાસેથી ટુકડે ટુકડે ૧૪ લાખ રૂપિયા પડાવી લઈ છેલ્લા બે વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા પર બળાત્કાર ગુજારતા આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરીણીતાની ફરિયાદને આધારે નરાધમ ભુવા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંધશ્રદ્ધનો ફાયદો ઉઠાવી અનેક લોકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હોય છે. તાંત્રિક ભૂવાઓ વિધિના બહાને માસૂમ લોકોનો લાભ ઉઠાવી તેમની સાથે છેતરપિંડી તેમજ દુષ્કર્મ આચરતા હોય છે. તાજેતરમાં આવી જ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં સામે આવી છે.
જેમાં એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી સોસાયટીમાં આવેલ એક મંદિરમાં દર્શન કરવા માટે જતી હતી. ત્યારે તેજ મંદિરના ભુવા કનુ ભાઈ ઉર્ફે કલ્પેશ ભાઈ કોરાટને આ મહિલા મળી હતી અને તેમણે તેમના જીવનમાં પડતી મૂંઝવણ અને મુશ્કેલી વર્ણાવી હતી.
પરિણીતાએ પોતાની કથની કહેતા ત્યારબાદ ભુવા એ જણાવ્યું હતું કે તમારે ગામ ખાતે આવેલા મકાનમાં ખૂબ જ ધન છે તે કાઢવા માટે વિધિ કરવી પડશે અને તેના માટે લાંબા ટૂંકા રૂપિયાની જરૂર પડશે. ભૂવાની વાત પર મહિલા સમત થઈ હતી. અને એક બાદ એક એમ ટુકડે ટુકડે બે વર્ષ દરમ્યાન મહિલાની આર્થિક સ્થિતિ સારી ના હોવા છત્તા ૧૪ લાખ રૂપિયા વિધિના નામે લઈ લીધા હતા.
એટલુંજ નહીં મહિલાને જ્યારે પણ ભુવા કનું ભાઈ તેમની પાસે બોલાવે ત્યારે તેમને આંખો બંધ કરવાનું કહી તેમના પરથી લીંબુ અને મરચા ઉતારે અને ત્યારબાદ તેમના કપડાં પણ ઉતારી લેતો હતો. મહિલા આ વાત નો વિરોધ કરે તો તેમને માર મારતો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજરતો હતો બે વર્ષ પહેલા આ ભુવાએ મહિલાને એક કળશ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે બે વર્ષ બાદ આ કળશમાંથી હીરા મોતી તને મળશે.
આ સમગ્ર મામલો બે વર્ષ ચાલ્યા બાદ મહિલાએ કળશ ખોલતા તેમાંથી પથ્થરો નીકળતા મહિલા છેતરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મહિલાએ સરથાણા વિસ્તારમાં રહેતા ભુવા સામે દુષ્કર્મ અને રૂપિયા પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેથી ફરિયાદ ના આધારે પોલીસે તાત્કાલિક લંપટ ભુવા એવા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.