ઉદ્ધવ સરકારે સચિન તેંડુલકરની સિક્યોરિટી પાછી ખેંચી
મુંબઇ, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ક્રિકેટના ભગવાન મનાતા અને ભારત રત્ન વિજેતા ક્રિકેટર સચિન તેંડુલકરને આપવામાં આવેલી એક્સ લેવલની સિક્યોરિટી પાછી ખેંચી લીધી હતી.
મુખ્ય પ્રધાન બનેલા ઉદ્ધવ ઠાકરેને ઝેડ લેવલની સિક્યોરિટી અપાઇ હતી અને ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેની સિક્યોરિટી વધારવામાં આવી હતી. હવે આદિત્યને વાય પ્લસ લેવલની સિક્યોરિટી અપાઇ હતી એ વધારીને હવે ઝેડ લેવલની સિક્યોરિટી આપવામાં આવી હતી.ભારતીય લશ્કરના નિવૃત્ત કર્મચારી અને પ્રસિદ્ધ સમાજ સેવક અન્ના હજારેની સિક્યોરિટી પણ વધારવામાં આવી હતી.
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે હાઇ પ્રોફાઇલ ગણાતા લોકોની સિક્યોરિટીના મુદ્દે કરેલી ચર્ચા-વિચારણાના પગલે આ નિર્ણય લેવાયો હતો. અગાઉ સચિને જે સિક્યોરિટી અપાઇ હતી એ મુજબ ચોવીસે કલાક એક પોલીસ કોન્સ્ટેબલ એની સાથે રહેતો હતો. ભાજપના નેતા એકનાથ ખડસેને અગાઉ વાય કેટેગરીની સિક્યોરિટી સાથે પોલીસ એસ્કોર્ટ પણ અપાયો હતો જે હવે પાછો ખેંચી લેવાયો હતો. ફક્ત વાય કેટેગરીની સિક્યોરિટી રહેશે. પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબના કેસથી જાણીતા થયેલા પ્રસિદ્ધ વકીલ ઉજ્જવલ નિકમને અપાયેલી ઝેડ પ્લસ સિક્યોરિટી હટાવીને એમને હવે વાય કેટેગરીની સુરક્ષા અપાઇ હતી.