સહી કરેલી ચેકબુક ઓફિસમાં રાખતાં પહેલાં ચેતી જજો
પટાવાળાએ સહી અને સિક્કાવાળી ચેકબુક ચોરી રૂ.૫૮,૦૦૦ની ઉચાપત કરી -યુવા સેવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિની ક્ચેરીના પટાવાળા સામે ગુનો દાખલ
અમદાવાદ, લો ગાર્ડન ખાતે રવિશંકર રાવળ કલા ભવનમાં આવેલી જિલ્લા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની ક્ચેરીમાં પટાવાળાએ ૫૮ હજાર રૂપિયાની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે.
પટાવાળાએ જયશંકર સુંદરી નાટ્યગૃહના એસબીઆઈના બેન્કના ખાતામાંથી રૂપિયા ઉપાડ્યા હતા. પટાવાળાએ જયશંકર સુંદરી નાટ્યગૃહના ઇન્ચાર્જ મેનેજરની સહીવાળા સિક્કા અને ચેકબુક લઇ લીધાં હતાં. જેના આધારે તેણે રૂપિયા ઉપાડી લીધા હતા. પટાવાળા વિરુદ્ધ ઇન્વેસ્ટિગેશન થતાં તેણે ઉચાપત કરેલા રૂપિયા તો તરત જમા કરાવી દીધા હતા પરંતુ હજુ સહીવાળા સિક્કા અને ચેકબુક જમા કરાવ્યાં નથી
જેના કારણે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર ખાતે આવેલ વાસ્તુ નિર્માણ સોસાયટીમાં રહેતા મહેશ દેસાઈએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પ્રકાશ પરમાર (રહે, અશ્વમેઘ સોસાયટી, ચાંદખેડા) વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ કરી છે. મહેશ દેસાઈ રાજ્ય સરકારની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની ક્ચેરીમાં સહાયક નિયામક સંસ્કૃતિ તરીકે ફરજ બજાવે છે.
૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ મહેશ દેસાઈની નિમણૂક લો ગાર્ડન પાસે આવેલા રવિશંકર રાવળ કલા ભવનમાં જિલ્લા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં વિકાસ અધિકારી તરીકે થઈ હતી. હાલ મહેશ દેસાઈ રાયખડ ખાતે આવેલી જયશંકર સુંદરી હોલ નાટ્યગૃહના મેનેજર તરીકેની પણ ફરજ બજાવે છે.
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની વડી ક્ચેરીએથી એક પત્ર મળ્યો જેમાં રવિશંકર ભવનમાં કામ કરતા પટાવાળાએ કરેલી ઉચાપતની વિગતો હતી. પટાવાળાનું નામ પ્રકાશ પરમાર છે અને તેણે ૫૮ હજાર રૂપિયાની ઉચાપત કરી છે. મહેસ દેસાઈએ આ મામલે તપાસ કરીને તમામ દસ્તાવેજી પુરાવા ગાધીનગર વડી ક્ચેરીએ જમા કરાવી દીધા હતા.
મહેશ દેસાઈએ કલાર્ક તરીકે ફરજ બજાવતા રોહન પરમારની પૂછપરછ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે પ્રકાશ પરમારે જયશંકર સુંદરી નાટ્યગૃહના એસબીઆઈ બેન્કમાંથી ૫૮ હજાર રૂપિયાની ઉચાપત કરી છે. જયશંકર સુંદરી નાટ્યગૃહના ઈન્ચાર્જ મેનેજર તરીકે બી.જે.દેસાઈ ફરજ બજાવતા હતા. જેમનાં સહી સિક્કાનો ઉપયોગ કરીને પ્રકાશ પરમારે બેન્કમાંથી રૂપિયા ઉપાડી લીધા હતા. સપ્ટેમ્બર ૨૦૨૧થી જૂન ૨૦૨૩ સુધી પ્રકાશ પરમારે છ વખત રૂપિયા બેન્કમાંથી ઉપાડ્યા છે.
મહેશ દેસાઈએ પ્રકાશ પરમારનો વિગતવાર ખુલાસો માગ્યો હતો. જેથી તેણે જવાબ રજૂ કર્યાે અને ઉચાપત કરેલા ૫૮ હજાર રૂપિયા જમા કરી દીધા હતા. પ્રકાશ પરમાર પાસે હજુ પણ ચેક અને સહીવાળા સિક્કા છે જે પરત મળ્યા આપ્યા નથી. પ્રકાશ પરમારે રૂપિયાની ઉચાપત કરતા અંતે મહેશ દેસાઈએ એલિસબપ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે એલિસબ્રિજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.