AMCના 8 કોમ્યુનીટી હોલનો ર૦ર૩ના વર્ષમાં એક પણ દિવસ વપરાશ થયો નહી
એક વર્ષમાં પીકનીક હાઉસનું માત્ર ૬૦ દિવસ બુકિંગ: કોમ્યુનીટી હોલ કોર્પોરેશન માટે ધોળા હાથી સમાન બની રહયા છે
અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા તૈયાર કરવામાં આવેલ આવા ૧૦ જેવા પાર્ટી પ્લોટ કે કોમ્યુનીટી હોલ છે જેનો ર૦ર૩ના વર્ષ દરમિયાન ભાગ્યે જ ઉપયોગ થયો છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચથી કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ લગ્ન પ્રસંગ, પ્રદર્શન વગેરે માટે થાય છે. જો આ પ્રકારના કોમ્યુનીટી હોલ કે પાર્ટી પ્લોટ યોગ્ય આયોજન કરીને તૈયાર કરવામાં આવે તો તેનો પુરતો લાભ નાગરિકોને મળે છે
પરંતુ માત્ર કોઈને ખુશ કરવા કે માંગણી સંતોષવા માટે કોમ્યુનીટી હોલ બનાવવામાં આવે છે ત્યારે તે વપરાશ થયા વિના પડયા રહે છે અને યોગ્ય કાળજી લેવામાં ન હોવાથી ખંડેર હાલતમાં પરિવર્તિત થઈ જાય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા તૈયાર કરવામાં આવેલ આવા ૧૦ જેવા પાર્ટી પ્લોટ કે કોમ્યુનીટી હોલ છે જેનો ર૦ર૩ના વર્ષ દરમિયાન ભાગ્યે જ ઉપયોગ થયો છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ર૦૦પની ચુંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ પુનઃ સત્તાના સુત્રો સંભાળ્યા બાદ ઈન્ફ્રાસ્ટ્રેકચર પર વધુ ધ્યાન આપ્યું છે. જેમાં લાયબ્રેરી, કોમ્યુનીટી, જીમનેશીય વગેરેનો સમાવેશ થાય છે
પરંતુ આ પૈકી મોટાભાગના બિલ્ડીંગો યોગ્ય સર્વે કર્યાં વિના તૈયાર થયા હોય તેમ લાગી રહયું છે જેના કારણે તેનો કોઈ જ વપરાશ થતો નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા યોગ્ય આયોજન વિના જ કે પછી કોઈને ખુશ કરવા તૈયાર કરવામાં આવેલ
લગભગ ૮ પાર્ટી પ્લોટ/ કોમ્યુનીટી હોલનો ર૦ર૩ના વર્ષ દરમિયાન એક પણ દિવસ વપરાશ થયો નથી. આવા પાર્ટી પ્લોટ કે કોમ્યુનીટી હોલ કોર્પોરેશન માટે ધોળા હાથી સમાન બની રહયા છે તેથી જો તેનો બિલકુલ ઉપયોગ થતો જ ન હોય તો તેને કોર્પોરેશનની ઓફિસોમાં પરિવર્તિત કરવા જોઈએ તેવી માંગણી પણ થઈ રહી છે. જયારે ૯ જેટલા પાર્ટી/કોમ્યુનીટી હોલ એવા પણ છે
જેનો મહત્તમ ઉપયોગ થયો છે. વસ્ત્રાલમાં આવેલ વસ્ત્રાલ પાર્ટી પ્લોટનો એક જ વર્ષમાં ર૧૦ દિવસ માટે ઉપયોગ થયો છે. અહીં નોંધનીય બાબત એ છે કે અમદાવાદમાં ખાસ કરીને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં જેની સૌથી વધારે ડીમાન્ડ છે તેવા સ્વ.જયેન્દ્ર પંડિત પીકનીક હાઉસનું બુકિંગ એક વર્ષમાં માત્ર ૬૦ દિવસ જ થયું છે આ બાબત ગળે ઉતરે તેમ નથી
કારણ કે સામાન્ય નાગરિકો જયારે બુકિંગ કરવા જાય છે ત્યારે પીકનીક હાઉસનું બુકિંગ થઈ ગયું હોય તેમ દર્શાવે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો. હસ્તક કુલ ૮પ પાર્ટી પ્લોટ/ કોમ્યુનીટી હોલ છે જે પૈકી ૧૦નો વપરાશ ૦ બરાબર છે
તેમ છતાં ર૦ર૩ના વર્ષમાં બાકીના પાર્ટી પ્લોટ/ કોમ્યુનીટી હોલમાંથી કોર્પોરેશનને રૂ.૧૬ કરોડ ૪૪ લાખની નોંધપાત્ર આવક થઈ છે. જેમાં શહેરના પશ્ચિમ ઝોનના ૧૯ પ્લોટમાંથી ૪ કરોડ ર૩ લાખ અને ઉત્તર પશ્ચિમ ઝોનના માત્ર ૭ જ કોમ્યુનીટી હોલમાંથી ૩ કરોડ ૭૬ લાખની આવકનો સમાવેશ થાય છે.