Western Times News

Gujarati News

વકીલાત નિષ્ણાત વ્યવસાયિક કાર્ય છે, દરેક વ્યક્તિ એ ન કરી શકે: હાઇકોર્ટ

અમદાવાદ, ડિવોર્સના એક કેસમાં ગાંધીનગર અને અમદાવાદની કોર્ટના હુકૂમત ક્ષેત્રનો મુદ્દો લઇને એક પત્નીએ ચીફ જસ્ટિસની કોર્ટમાં રજૂઆતો કરી હતી. જોકે પાર્ટી ઇન પર્સન તરીકે ઉપસ્થિત પત્ની કાનૂની મુદ્દા સમજી નહીં શકતાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ટકોર કરી હતી કે,‘તમે તમારા કેસના તથ્યો સારી રીતે જાણતા હશો પરંતુ કાનૂની બાબતોથી તમને માહિતગાર જણાતા નથી.

એટલા માટે જ કોર્ટમાં એડવોકેટની સેવા ઉપલબ્ધ હોય છે. વકીલાતનો વ્યવસાય નિષ્ણાંત કાર્ય છે અને દરેક વ્યક્તિ એ કરી શકે નહીં.’ હાઇકોર્ટની સમજાવટ બાદ મહિલાએ કાનૂની મદદ લેવાનું સ્વીકાર કર્યું હતું. આ કેસમાં એવી હકીકત સામે આવી હતી કે પતિએ ગાંધીનગરમાં ડિવોર્સ પિટિશન પેન્ડિંગ છે. પત્ની લગ્ન બાદ પતિ સાથે ગાંધીનગર રહેતી હતી. જ્યારે કે લગ્ન અમદાવાદ ખાતે થયા હતા.

તેથી અમદાવાદ અને ગાંધીનગર બંને કોર્ટના હુકૂમત ક્ષેત્ર (જ્યુરિડિક્શન)ની બાબત ઊભી થઇ હતી. પતિએ ગાંધીનગરની કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી. તેથી પત્ની હાઇકોર્ટ સમક્ષ આવી હતી અને અમદાવાદ કોર્ટનું જ્યુરિડિક્શન લાગતું હોવાની દલીલ કરી હતી.

ત્યારે કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં બંને કોર્ટની હુકૂમત ક્ષેત્ર આવે છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે,‘તમે અમારી વાત સમજી શકતા નથી અને કાયદો પણ સમજી શકતા નથી. અડધું જ્ઞાન ક્યારેક ખૂબ ખતરનાક બની જાય છે.

જો તમને એડવોકેટ જોઇતા હોય તો અમે લિગલ ડિપાર્ટમેન્ટમાંથી તમને એડવોકેટ અપાવી શકીએ છીએ પરંતુ તમે આ રીતે કાયદાના અલ્પ જ્ઞાન સાથે કોર્ટ સમક્ષ દલીલો કરશો તો કોઇ ઉકેલ આવશે નહીં. ક્યારેક ક્યારેક પાર્ટી ઇન પર્સન પોતાના કેસો સમજી શકતા નથી.

કોર્ટમાં એડવોકેટ્‌સ આ કામ માટે જ હોય છે. તમે રિસર્ચ કર્યો હોઇ શકે પરંતુ અમે અહીં રિસર્ચ પેપર્સ ડિસાઇડ કરવા માટે બેઠા નથી અમે અહીં કાયદાનો નિર્ણ કરવા બેઠા છીએ. તમારા કેસમાં બંને કોર્ટની હુકૂમત લાગે છે અને અરજદાર ઇચ્છે ત્યાં કેસ કરી શકે એમ છે. આવા તબક્કે તમે અન્ય વસ્તુઓ કહીને સમય વ્યય કરી રહ્યા છો. વકીલાતનું કામ ઉચ્ચ વ્યાવસાયિક કામ છે, દરેક વ્યક્તિ એ ન કરી શકે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.