ઉદયપુરમાં ધોળા દિવસે માર્યા ગયેલા દરજી કન્હૈયા લાલના કિસ્સામાં તમારું શું કહેવું છે? સુપ્રીમ કોર્ટ
મોબ લિંચિંગ કેસમાં સિલેક્ટિવ થવાની જરૂર નથીઃ સુપ્રીમ કોર્ટ
કન્હૈયાલાલની હત્યાને તમે શું કહેશો? લઘુમતીઓ પર અત્યાચાર અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ
(એજન્સી)નવી દિલ્હી, મોબ લિંચિંગનો ભોગ બનેલા લઘુમતી પરિવારોને સહાય પૂરી પાડવા અને ગૌ રક્ષકો વિરુદ્ધ કાર્યવાહી અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મંગળવારે અરજદારોને ફટકાર લગાવતા કહ્યું હતું કે તમે કોઈ ચોક્કસ રાજ્ય કે સંપ્રદાય પ્રત્યે સિલેક્ટિવ ના થઈ શકો.
અરજદાર વકીલોએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે મોબ લિંચિંગનો ભોગ બનેલા લઘુમતીઓને તાત્કાલિક ધોરણે આર્થિક સહાય આપવામાં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ અંગે સુનાવણી કરતાં અરજદાર વકીલો સામે સવાલ કર્યો હતો કે
ઉદયપુરમાં ધોળા દિવસે માર્યા ગયેલા દરજી કન્હૈયા લાલના કિસ્સામાં તમારું શું કહેવું છે. કોર્ટે આ કેસને ઉનાળાની રજાઓ સુધી મુલતવી રાખ્યો છે. હવે આ કેસની સુનાવણી ૭ જુલાઈ પછી થશે. કોર્ટે વકીલોને ઠપકો આપતા કહ્યું હતું કે આ મામલે સિલેક્ટિવ બનવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે અરજદારો વતી હાજર રહેલા વકીલ નિઝામ પાશાને પૂછ્યું હતું કે રાજસ્થાનના દરજી કન્હૈયા લાલ જેનું લિંચિંગ કરવામાં આવ્યું હતું તેનું શું થયું હતું.
તેમણે કહ્યું કે તમે કોઈ ચોક્કસ રાજ્ય અથવા ધર્મ વિશે સિલેક્ટિવ ના થઈ શકો. ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના નિવેદનને સમર્થન આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ કન્હૈયા લાલની તેમની દુકાનમાં જ ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં વકીલ અર્ચના પાઠકે કહ્યું કે, આ માત્ર મુસ્લિમોની લિંચિંગની વાત છે.
તેમણે કહ્યું કે કોઈ આટલું સિલેક્ટિવ કેવી રીતે બની શકે? કોઈપણ રાષ્ટ્રે તમામ ધર્મના લોકોની રક્ષા કરવી જોઈએ. એડવોકેટ પાશાએ કહ્યું કે, માત્ર મુસ્લિમોને જ મારવામાં આવે છે અને આ હકીકત છે. કોર્ટે કહ્યું કે તમારે ખાતરી કરવી જોઈએ કે અરજી સિલેક્ટિવ ના બને.