પત્નિ સાથે ખંડેવાડા સુધી ચાલતા ગયા બાદ યુવકની નર્મદા કેનાલમાં છલાંગ
હાલોલના આશાસ્પદ યુવકે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા ભારે ચકચાર -પતિને રોકવા જતા કેનાલમાં પડેલ પત્નિને સ્થાનિક રહીશોએ બહાર કાઢતા આબાદ બચાવ
(પ્રતિનિધિ) ગોધરા, હાલોલના વોર્ડ નંબર ૨ ના પૂર્વ મહિલા કોર્પોરેટરના આશાસ્પદ યુવાન પુત્ર નરેન્દ્ર ઉર્ફે નયલુએ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં પડતું મૂક્યું હતું જેમાં નયલુને બચાવવા જતા તેની પત્ની પણ કેનાલમાં ડૂબી હતી જેમાં નયલુની પત્નીને બચાવી લઇ હાલોલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી
જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણ મળેલ છે જ્યારે આપઘાતના ઇરાદે નર્મદા કેનાલના વહેતા પાણીમાં પડતું મૂકનાર નયલુને હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તેમજ વડોદરાની ફાયર ફાઈટરની ટીમ શોધખોળ કરવા કામે લાગી હતી જેમાં કલાકો બાદ પણ નયલુનો કોઈ પત્તો કેનાલના પાણીમાંથી ન લાગ્યો હોવાની માહિતી મળી છે.
હાલોલ શહેરના વોર્ડ નંબર ૨ માં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને વોર્ડ નંબર ૨ ના નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સુખીબેન ભાઈલાલભાઈ ચૌહાણનો યુવાન પુત્ર નરેન્દ્ર ઉર્ફે નયલુ ભાઈલાલભાઈ ચૌહાણે વર્ષ ૨૦૧૯ માં પ્રેમ લગ્ન કર્યા હતા જેમાં પ્રેમલગ્ન કર્યા બાદ નયલુ પોતાની પત્ની સાથે માતા-પિતાથી અલગ રહેતો હતો જેમાં બંન્ને પતિ પત્નીના સુખી દાંપત્ય જીવન દરમ્યાન તેઓને ઘરે એક પુત્રીનો જન્મ થયો હતો.
જેમાં બુધવારે વહેલી સવારે નરેન્દ્ર ઉર્ફે નયલુ ચૌહાણ અને તેની પત્ની હાલોલથી ચાલતા ચાલતા કોઈ કારણસર હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા ગામ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલ નજીક આવ્યા હતા જેમાં કેનાલ નજીક આવી નરેન્દ્ર ઉર્ફે નયલુએ કોઈક અગમ્ય કારણસર એકાએ કેનાલના વહેતા પાણીમાં કેનાલની પાળ પરથી આપઘાત કરવાના ઇરાદે કેનાલમાં ઝંપલાવ્યું હતું જેમાં નયલુને કેનાલના પાણીમાં કુદતો બચાવવા જતા તેની પત્નીએ તેનો હાથ પકડી લીધો હતો
પરંતુ તેનો હાથ પકડવા જતાં તે પણ લપસી હતી અને કેનાલમાં પડી હતી. જેમાં કેનાલમાં પડ્યા બાદ તેણે બૂમાબૂમ કરી મૂકી હતી જેમાં બૂમાબૂમનો અવાજ સાંભળી અને તેઓને પડતા જોઈ આસપાસથી ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને કેનાલમાં પડેલી નયલુ તથા તેની પત્નીને બચાવવાની કોશિષ કરી હતી જેમાં કોઈ રાહદારીએ ઝડપભેર દોડી આવી નયલુની પત્નીનો હાથ પકડીને તેને તાત્કાલિક કેનાલમાંથી બહાર કાઢી લીધી હતી
પરંતુ કેનાલના વહેતા ઊંડા પાણીમાં નયલુ આગળ નીકળી જઈ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને લઈને તેને બચાવી શકાયો ન હતો જ્યારે પાણીમાં પડેલી નયલુની પત્નીને અર્ધ બેભાન હાલતમાં પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઈ હતી જ્યાં સારવાર બાદ તેની હાલત હાલમાં સુધારા પર હોવાનું જાણવા મળેલ છે.
જ્યારે આપઘાતના ઇરાદે કેનાલમાં કુદેલા નરેન્દ્ર ઉર્ફે નયલુની શોધખોળ કરવા વહેલી સવારથી જ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે કામે લાગી હતી પરંતુ લાંબા સમય સુધી તેનો કોઇ પત્તો ન લાગતા વડોદરાની ફાયર ફાઈટરની ટીમની પણ મદદ લેવાઈ હતી જેમાં બન્ને ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી સવારે આઠ કલાકથી નયલુ ને કેનાલના વહેતા પાણીમાંથી બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી.
પરંતુ કલાકોની ભારે જહેમતભરી શોધખોળ બાદ પણ નરેન્દ્ર ઉર્ફે નયલુનો કોઈ પત્તો લાગ્યો ન હતો જ્યારે બનાવની જાણ થતા નયલુના પરિવારજનો સહિત તેના મિત્ર વર્તુળના લોકો કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને આઘાતમાં ઉભેલા જોવા મળ્યા હતા.
જ્યારે સમગ્ર હાલોલ નગરમાં જાણીતો એવા આશાસ્પદ યુવાન નરેન્દ્ર ઉર્ફે નયલુએ આપઘાત કરવા માટે ખંડીવાળા ગામે પહોંચી કેનાલમાં પડતું મૂક્યું હોવાની જાણ હાલોલના નગરજનોને થતા સૌ કોઈ ભારે આઘાત સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.