ભાઈની હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી નાનો ભાઈ ઘરે જઈ શાંતિથી ઊંઘી ગયો
સુરતમાં ડિંડોલી-ચલથાણ કેનાલ રોડ ઉપરથી હત્યા કરાયેલી લાશનો ભેદ ખૂલ્યો
સુરત, સુરતના ડિંડોલી- ચલથાણ કેનાલ રોડના ખેતરમાંથી મંગળવારે મળેલી યુવકની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો છે, મરનાર યુવકની હત્યા તેના જ સગા નાના સગીરવયના ભાઈએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઝઘડાખોર સ્વભાવનો મોટોભાઈ માતાની સાથે સતત મારપીટ કરતો હતો મોટાભાઈના વર્તનથી ત્રાસીને નાના સગીર ભાઈએ પિતરાઈ ભાઈ સાથે મળીને હત્યા કરી દીધી હતી.
લાશ મળ્યા બાદ પોલીસ તપાસમાં મૃતક યુવક વેસુના સુડા આવાસમાં રહેતો હતો. પોલીસે વેસુ સુડા આવાસમાં બચ્છાવ પરિવારનો સંપર્ક કર્યો હતો. મૃતકની ઓળખ ગોવિંદા ઉર્ફે ગોવિંદ (ઉ.વ.૩૦) તરીકે થઈ હતી. મૃતકની માતાએ કહ્યું કે, તેનો દીકરો છેલ્લે નાના દીકરા સાથે ગયો હતો. ત્યારપછીથી તે ગાયબ હતો, એટલે પોલીસે મૃત યુવક ગોવિંદના સગીર વયના નાના ભાઈની પુછપરછકરી હતી.
પોલીસે થોડી કડકાઈ દાખવતા તે ભાંગી પડ્યો હતો અને ગોવિંદાની હત્યા પોતે પિતરાઈ ભાઈ સાથે મળી કરી હોવાની કબુલાત કરી હતી. હત્યારા નાના ભાઈએ પોલીસને કહ્યું કે, મોટો ભાઈ ગોવિંદ ઝઘડાળુ સ્વભાવનો હતો આવા સ્વભાવના લીધે તેની પત્ની તેને છોડીને જતી રહી હતી. તે માતાને પણ સતત મારતો હતો. બનાવના આગલા દિવસે મોટા ભાઈએ માતાને માર હતી. માતાએ ફોન કરી રડતાં રડતાં ફરિયાદ કરી હતી એટલે આવેશમાં આવી સગીર નાના ભાઈએ મોટાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
હત્યાનો પ્લાન બનાવ્યા બાદ નાનો ભાઈ કડોદરા રહેતી બહેન પાસે જવું છે એમ કહી પિતરાઈ ભાઈ સાથે મોટાભાઈને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. રાત્રે સાડા બાર વાગ્યાના અરસામં ડિંડોલી પાસે બાઈક ઉભી રાખી માતાને કેમ મારે છે? એમ કહી તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મોટાભાઈને મારી તેની હત્યા કરી હતી. મોટા ભાઈની હત્યા કર્યા બાદ જાણે કશું બન્યું જ નથી એમ તે ઘરે આવી ગયો હતો. બાદમાં નિરાંતે ઉંઘી ગયો હતો.