700 કેદીઓ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં નોકરી મળી: ૧ર૦૦ને હોસ્પિટલમાં કામ મળશે
કેજરીવાલ મુદ્દે બેનીવાલે કહ્યુંઃ જેલના મેન્યુઅલમાં કટ્ટર કે સામાન્ય ગુનેગારની વચ્ચે કોઈ અંતર નથી
નવી દિલ્હી, દિલ્હી સ્થિત દેશની સૌથી મોટી જેલ તિહાડમાં એક કેદી પાછળ રોજ રૂપિયા ૮૦૦નો ખર્ચ થાય છે. આ હિસાબે એક કેદી પાછળ પ્રતિ મહિને રૂપિયા ર૪ હજારનો ખર્ચ થાય છે, તેમ તિહાડ જેલના ડાયરેકટર જનરલ (જેલ) સંજય બેનીવાલે જણાવ્યું છે.
એક ઈન્ટરવ્યુમાં તિહાડ જેલના ડીજી સંજય બેનીવાલે જણાવ્યું કે, જેલની બહાર આવીને ૭૦૦ કેદીઓ હોટલ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે. ૧ર૦૦થી વધુ કેદીઓને કામ કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એ બહાર આવીને હોસ્પિટલમાં કામ કરશે.
સંજય બેનીવાલે જણાવ્યું કે, જયારે કેદીઓને બહાર કામ કરવા માટે સર્ટીફિકેટ અને ઓફર લેટર મળ્યો તો મને તેમની આંખમાં સ્મિત અને ચમક જોવા મળી. કેદીઓને સ્કીલ શીખવવી અને સશક્ત બનાવવાથી એ લાયક બને છે.
જેલ વહીવટી તંત્રે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીની મદદથી ર૦ર૩માં સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ અંતર્ગત વિચારાધીન કેદીઓ (અંડર ટ્રાયલ કેદીઓ)ને ટ્રેનિંગ માટે જેલની અંદર એક મૂળભૂત માળખું વિકસિત કરવામાં આવ્યું છે.
બેનવાલે તિહાડ જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને વાત કરી અને કહ્યું કે જેલના મેન્યુઅલમાં કટ્ટર કે સામાન્ય ગુનેગારની વચ્ચે કોઈ અંતર નથી. દરેક કેદી પાસે મૂળભૂત અધિકાર છે અને એ સુનિશ્ચિત કરવું મારું કર્તવ્ય છે. કોઈ કેદીને વિશેષ સુવિધા આપવામાં આવતી નથી. એવી કોઈ જોગવાઈ નથી. હકીકતમાં તિહાડ જેલમાં અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત નહીં થવા પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આરોપ લગાવ્યો હતો
કે અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં એવી કોઈ સુવિધા મળતી નથી જે કોઈ કટ્ટર ગુનેગારને મળે છે. આ આરોપ પર તિહાડ જેલના ડીજી બેનીવાલે કહ્યું કે તિહાડ જેલમાં ર૦ હજાર કેદીઓ છે. રોજ હજારો લોકો તેમને મળવા આવે છે. આજ સુધી એક પણ ફરિયાદ આવી નથી. એટલા માટે મને લાગતું નથી કે કેદીઓ સાથે જુદો-જુદો વ્યવહાર થતો હોય.