એટીકેટીના કારણે ડિપ્રેશનમાં આવેલા યુવકે આપઘાત કર્યો
અમદાવાદ, શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલા એક કોમ્પલેક્સમાંથી એક યુવકે છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. આ મામલે ગુજરાત યુનિ. પોલીસને જાણ કરાતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે યુવકને એટીકેટી આવી હોવાથી તે ડિપ્રેશનમાં હતો અને તે જ્યાં નોકરી કરતો હતો તે જ કોમ્પલેક્સમાંથી તેણે ઝંપલાવી આપઘાત કર્યો હતો.
હાલ આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વિજય ચાર રસ્તા પાસે આવેલા ફોનેક્સ કોમ્પલેક્સમાં એક યુવકે ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનો ગુજરાત યુનિ. પોલીસને મેસેજ મળ્યો હતો. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા મૃતકનું નામ જીતભાઇ ક્ષત્રિય (ઉ.૧૮, રહે. ઘોડાસર) હોવાની જાણકારી મળી હતી.
પોલીસે મૃતકના પરિવારજનોને આ બાબતે જાણ કરતા જીતના માતા-પિતા પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેમની પૂછપરછ કરતા જીત પોલિટેકનિકમાં આઇટીનો અભ્યાસ કરતો હતો અને તેને એટીકેટી આવી હોવાથી તે ડિપ્રેશનમાં હોવાનું જણાવ્યું હતું. જીત આ જ કોમ્પલેક્સમાં કોઇ ડિજિટલ માર્કેટિંગની ઓફિસમાં કેમ્પેઇન મેનેજર તરીકે સાતેક માસથી નોકરી કરતો હતો.
આજે તેના માતા-પિતા સાથે તે પોલિટેકનિક આવ્યો હતો. ત્યાંથી તે એક કામ છે તેમ કહીને નીકળ્યો હતો અને બાદમાં તેણે આ પગલું ભર્યું હોવાનું ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનના પીઆઇ એ જણાવ્યું હતું. જો કે મૃતક પાસેથી કોઇ અંતિમચિઠ્ઠી મળી ન હોવાથી પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.SS1MS