Western Times News

Gujarati News

ઓડિશામાં ઉનાળો આકરોઃ તાપમાન ૪૫.૨ ડિગ્રીને પાર

(એજન્સી)નવી દિલ્હી, આ વખતનો ઉનાળો અત્યાર સુધી ભારે આકરો સાબિત થયો છે જેના કારણે દેશના કેટલાક રાજ્યોમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સ્થિતિ એવી છે કે ઓડિશામાં તાપમાન ૪૫.૨ ડિગ્રીને પાર કરી ગયું છે. Odisha’s summer heats up: temperature crosses 45.2 degrees

હવામાન ખાતાએ યુપી, બિહાર અને ઓડિશામાં હજુ વધારે ગરમી પડવાની આગાહી કરી છે. આ દરમિયાન ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં તાપમાન અસહ્ય બની ગયું છે.

હવામાન ખાતાએ આગામી બે દિવસ માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઓરેન્જ એલર્ટની ઘોષણા કરી છે. એટલે કે આ બે રાજ્યોમાં હીટવેવની સ્થિતિ સર્જાશે. આ ઉપરાંત ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

હવામાન એજન્સીએ જણાવ્યું કે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં હીટવેવ શરૂ થયું છે. જોકે, હીટવેવનો પ્રથમ તબક્કો ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુમાં અનુભવાયો છે.

ઓડિશામાં શનિવારે કેટલીક જગ્યાએ તાપમાન ૪૫ ડિગ્રીને પાર કરીને ૪૫.૨ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જે એક રેકોર્ડ છે. રાજ્યમાં ૧૦ શહેર એવા છે જ્યાં શનિવારે તાપમાન ૪૩ ડિગ્રી કરતા પણ ઉપર હતું. બાલાસોર જિલ્લામાં આકરા તાપના કારણે સનસ્ટ્રોકથી પાંચ લોકોના મોત નિપજ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં મિડનાપોરમાં તાપમાન ૪૪.૫ ડિગ્રી નોંધાયું હતું જ્યારે બાંકુરામાં ૪૪.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પારો પહોંચી ગયો હતો. તેવી જ રીતે ઝારખંડમાં ડેલ્ટન ગંજ અને જમશેદપુરમાં પણ મહત્તમ તાપમાન ૪૩.૬ ડિગ્રી અને ૪૩.૫ ડિગ્રી નોંધાયું હતું. છત્તીસગઢના રાજનંદગાંવમાં પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. બિહારમાં પણ પ્રચંડ હીટવેવના કારણે શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ઓછામાં ઓછા ૧૧ જિલ્લામાં તાપમાન ૪૨ ડિગ્રી કરતા વધુ છે. આગામી અઠવાડિયમાં પણ બિહારમાં અસહ્ય તાપમાન વધે તેવી શક્યતા છે. ગુજરાતમાં પણ અત્યારે લગભગ તમામ જિલ્લામાં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર રહે છે. દેશના મોટા ભાગના વિસ્તારમાં ભારે ગરમી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે.

હિમાચલ પ્રદેશમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડ્યો છે જેના કારણે ૧૦૪ રસ્તા બ્લોક થઈ ગયા હતા. શિમલા અને આસપાસના વિસ્તારોમાં શનિવારે છુટોછવાયો વરસાદ પડ્યો હતો અને તેની સાથે વીજળીના કડાકાભડાકા પણ જોવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.