UAEમાં ભારે વરસાદ બાદ કરોડો રૂપિયાનું નુકસાન
ભારે પૂર બાદ હવે ફરીથી બેઠા થવા સંઘર્ષ કરી રહ્યું છે UAE-ભારે વરસાદ અને પૂરના કારણે તારાજી સર્જાઈ
અબુધાબી, યુનાઈટેડ આરબ અમિરાતમાં પડેલા અસામાન્ય વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને તેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં યુએઈ આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. દુબઈ એરપોર્ટ પર ફ્લાઈટ્સનો ભારે ટ્રાફિક હોય છે અને ત્યાં પણ વરસાદના પાણી ફરી વળ્યા છે.
જોકે, તેણે પોતાના મુખ્ય એરપોર્ટ પર કામગીરી શરૂ કરવા માટે કામ કર્યું હતું તેમ છતાં મોટા હાઈવે અને રોડ પર હજી પણ પૂરના પાણીમાં ડૂબેલા છે. દુબઈ એરપોર્ટ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર માજેદ અલ જોકરે સ્થાનિક ટીવીને જણાવ્યું હતું કે, તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે ગુરૂવાર સુધીમાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ તેની ૬૦-૭૦ ટકા ક્ષમતા સુધી પહોંચી જશે અને ૨૪ કલાકની અંદર સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરતું થઈ જશે. Damage worth crores of rupees after heavy rains in UAE
યુએઈમાં જે વરસાદ પડ્યો તે અસામાન્ય હતો અને તેના કારણે તેની ડ્રેનેજ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી, પૂરના પાણી આસપાસના વિસ્તારોમાં, બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ અને દુબઈમાંથી પસાર થતાં ૧૨ લેનના શેખ ઝાયેદ રોડ હાઈવે પર ફરી વળ્યા હતા. બુધવારે એક સંદેશમાં અમીરાતી લીડર અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ સમગ્ર યુએઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ શું છે તે અંગે ઝડપથી અભ્યાસ કરી રહ્યા છે
અને નુકસાનને શક્ય તેટલું ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુરુવારે લોકો અગાઉ છોડી દેવાયેલી કાર સુધી પહોંચવા માટે ઓઈલવાળા પૂરના પાણીમાંથી પસાર થયા અને ચેક કર્યું હતું કે તેની કારના એન્જિન હજી પણ ચાલું છે કે નહીં. આ ઉપરાંત વેક્યુમ સાથે ટેન્કર ટ્રકોએ પણ પ્રથમ વખત દુબઈ ડાઉનટાઉન કોરની બહારના કેટલાક વિસ્તારોમાં પહોંચવાનું શરૂ કર્યું હતું.
જ્યારે આગામી સપ્તાહ સુધી સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે. યુએઈમાં જે પ્રકારે અસામાન્ય વરસાદ વરસ્યો તેના કારણે ઘણા લોકોનું માનવું હતું કે કદાચ ક્લાઉડ સીડિંગના કારણે આવું થયું હશે. ક્લાઉડ સીડિંગ એ વરસાદ લાવવા માટેની એક ટેકનિક છે. લોકોનું માનવું છે કે યુએઈ દ્વારા ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું છે જેના કારણે થયેલા વરસાદથી પૂર આવ્યું છે.
જોકે, ભારતમાં આ પ્રકારના પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ આ થિયરીને ફગાવી દીધી છે અને મીટીઓરોલોજિસ્ટ અને ક્લાઈમેટોલોજિસ્ટએ આ માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણાવ્યું છે. યુએઈ તેના ઘટતા જતાં ભૂગર્ભજળના સ્તરને વધારવા માટે સમયાંતરે ક્લાઉડ સીડિંગ કરે છે. જોકે, સોમવારની રાત અને મંગળવારની સાંજ વચ્ચે પડેલા ભારે વરસાદે કૃત્રિમ વરસાદની પદ્ધતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
યુએઈમાં ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં ૨૫૫ મિલીમીટર વરસાદ પડ્યો હતો. તેના પાડોશી દેશો કતાર, ઓમાન, બેહરીન અને સાઉદી અરબમાં પણ ભારે વરસાદ પડ્યો હતો તેમ છતાં યુએઈમાં દુબઈને સૌથી વધુ અસર પડી છે.