મ્યુનિ. કોર્પોરેશને સમયસર નવો કરાર ન કરતા પોલીસે કાંકરીયામાં બોટિંગ બંધ કરવા સુચના આપી
કાંકરિયા તળાવમાં ખોડલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતા બોટિંગ અને વોટર સ્પોટ્ર્સ એક્ટિવિટી અંગેનો નવો કરાર જમા કરાવવામાં આવ્યો નથી.
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના કાંકરિયા તળાવમાં ચાલતી બોટિંગની પ્રવૃત્તિને બંધ કરવામાં આવી છે. વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં હોડી ઊંધી વળી જતા બાળકોના થયેલા મૃત્યુ બાદ ગુજરાત હાઇકોર્ટે લીધેલી ગંભીર નોંધ બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના કાંકરિયા અને રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટિંગ પ્રવૃત્તિમાં નવી સેફ્ટીની શરતો અને જોગવાઈ સાથે કરાર કરવા અંગે જણાવવામાં આવ્યું હતું.
જોકે, કાંકરિયા તળાવમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ એક્ટિવિટી અંગેનો નવો કરાર પોલીસમાં જમા કરાવવામાં ન આવ્યો હોવાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવમાં વોટર સ્પોટ્સ એક્ટિવિટી અને બોટિંગ બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જે બોટિંગ પ્રવૃત્તિ ચાલી રહી છે તેને પણ બંધ કરવામાં આવી છે.
શહેર સંયુકત પોલીસ કમિશ્નર (ટ્રાફિક) દ્વારા રર એપ્રિલે લખવામાં આવેલ પત્રને ધ્યાનમાં લઈ મ્યુનિ. કોર્પો. દ્વારા કાંકરિયા તળાવમાં ચાલતી વોટર સ્પોટ્સ એક્ટિવિટી અને બોટિંગ પ્રવૃત્તિનો નવો કરાર જમા કરવામાં ન આવે ત્યાં સુધી ખોડલ કોર્પોરેશનને તાત્કાલિક ધોરણે આ પ્રવૃત્તિઓ બંધ કરવા આદેશઆપવામાં આવ્યો છે.
જેથી હવે કાંકરિયા તળાવમાં જ્યાં સુધી સેફ્ટીને લઈ નવી શરતો અને જોગવાઈઓ મુજબ કરાર કરવામાં નહીં આવે ત્યાં સુધી બોટિંગ અને વોટર સ્પોટ્ર્સ એક્ટિવિટી બંધ રહેશે. નવા કરાર મુજબ બોટિંગ પ્રવૃત્તિ માટે મંજૂરી આપનાર સક્ષમ સત્તાધિકારીએ બોટિંગ પ્રવૃત્તિઓનું નિયમિતપણે મોનિટરિંગ અને સુપરવિઝન કરવાનું રહેશે. આ મોનિટરિંગ અને સુપરવિઝનમાં જીવન સુરક્ષાના ધોરણો જળવાય તે બાબત સુનિશ્વિત કરવાની રહેશે.
જો કોઈ બોટિંગ પ્રવૃત્તિઓમાં જીવન સુરક્ષા જોખમાય તેવી બાબતો ધ્યાનમાં આવશે તો તાત્કાલિક ધોરણે તે બોટિંગ પ્રવૃત્તિઓ બંધ કરવાની રહેશે. બોટિંગ પ્રવૃત્તિ દરમિયાન નિષ્કાળજીના લીધે કોઈ દુર્ઘટના થાય તો તે માટેની જવાબદારી સંબંધિત મોનિટરિંગ તથા સુપરવિઝન અધિકારીની રહેશે.
અત્રે નોંધનીય છે કે વડોદરા હરણી તળાવમાં બોટ ઊંધી વળી જતા બાળકોના મૃત્યુ થયા હતા. જે અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીર નોંધ લઈ સુઓમોટો કરવામાં આવી હતી. આ મામલે રાજ્યમાં ચાલતી બોટિંગ પ્રવૃત્તિઓ પર સુપર વિઝન અને મોનિટરિંગ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટની ગંભીર નોંધ બાદ શહેર પોલીસ દ્વારા રાજ્યમાં તળાવ અને જળાશયોમાં ચાલતી બોટિંગ પ્રવૃત્તિઓમાં કેટલીક બાબતોનો સમાવેશ કરવા જણાવવામાં આવ્યું હતું.
જે અંગેનો નવો કરાર કરી અને શહેર ટ્રાફિક પોલીસને આ કરાર ૨૨ એપ્રિલ પહેલા જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ શહેરના કાંકરિયા તળાવમાં ખોડલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતા બોટિંગ અને વોટર સ્પોટ્ર્સ એક્ટિવિટી અંગેનો નવો કરાર જમા કરાવવામાં આવ્યો નથી.