મહેસાણાની લોકસભા બેઠક ઉપર પાટીદાર અને ઠાકોર સમાજનો દબદબો
પાટીદારના ૪.૮૦ લાખ, ઠાકોરના ૩.પ૦ લાખ મતદારોનું પ્રભુત્વ ઃ અન્ય જ્ઞાતિના મતદારો પણ નિર્ણાયક બની શકે તેવો રાજકીય વિશ્લેષકોનો મત
મહેસાણા, રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીની તમામ ચૂંટણીઓના પરિણામો જ્ઞાતિ આધારિત જોવા મળ્યા છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજય, વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓમાં જ્ઞાતિવાદ સમીકરણના આધારે જ ઉમેદવારો પર પસંદગી ઉતારી એજન્ડા પાર પાડતા આવ્યા છે.
આ વખતે પણ મહેસાણા લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ વધુ મતબેન્ક ધરાવતા પાટીદાર તેમજ ઠાકોર જ્ઞાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
મહેસાણા લોકસભા મતક્ષેત્રમાં કરાયેલા એક ખાનગી સર્વે મુજબ કુલ ૧૭.૬૬ લાખ મતદારો પૈકી પાટીદાર સમાજના ૪.૮૦ લાખ, ઠાકોર સમાજના ૩.પ૦ લાખ, અનુસૂચિત જાતિના ૧.૪૦ લાખ,
રાજપૂત સમાજના ૯૦ હજાર, મુસ્લિમ સમાજના ૯૦ હજાર, ચૌધરી સમાજના ૭પ હજાર, પ્રજાપતિ સમાજના ૭૧ હજાર, રાવળ સમાજના ૬પ હજાર, રબારી સમાજના ૬૦ હજાર, બ્રાહ્મણ સમાજના ૪૦ હજાર તેમજ અન્ય સમાજના ૩.૦પ લાખ મતદારો હોવાનો અંદાજ કાઢવામાં આવ્યો છે.
ઉપરોકત સર્વે મુજબ સાત વિધાનસભા બેઠકો ધરાવતા મહેસાણા લોકસભા મતક્ષેત્રમાં વોટબેન્કની દૃષ્ટિએ સૌથી વધુ પાટીદાર અને ઠાકોર સમાજ પ્રભુત્વ ધરાવે છે. આ બંને સમાજનો ઝોક જે રાજકીય પક્ષ તરફ જોવા મળે તે પક્ષના ઉમેદવારની વિજયકૂચ હાંસલ કરવાની સંભાવના વધી જાય છે.
રાજકીય પક્ષોએ જ્ઞાતિવાદ સમીકરણના લીધે સૌથી વધુ મતો ધરાવતા સમાજના મતદારોનું રાજકીયપક્ષ અને ઉમેદવારોમાં વિભાજન થતું જોવા મળે છે. ત્યારે અનુસૂચિત જાતિ, રાજપૂત, મુસ્લિમ, ચૌધરી, પ્રજાપતિ, રાવળ, રબારી, બ્રાહ્મણ તેમજ અન્ય જ્ઞાતિના મતદારોનો ઝોક ચૂંટણી પરિણામમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જાય છે. આ વખતની મહેસાણા લોકસભાની ચૂંટણીમાં જ્ઞાતિવાદ સમીકરણ નિર્ણાયક સાબિત થશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.