સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સામે ફોજદારી કાર્યવાહી કરવા AAPનો મોરચો
ખોટી સહી અથવા ખોટી એફિડેવિટ કરનારા ટેકેદારો વિરૂદ્ધ ગુનો નોંધવાની માંગ
સુરત, દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના વિજય વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી અધિકારીને આવેદન પત્ર પાઠવીને કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ કરવાના ષડયંત્રમાં શંકાસ્પદ ભૂમિકા નિભાવનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવા અંગે માંગ કરાઈ હતી.
આવેદનપત્ર આપવા પહોંચેલા આપના આગેવાનોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના અંગત મિત્રો અને સંબધીઓ દ્વારા ટેકેદાર તરીકે કરવામાં આવેલી ખોટી સહી મુદ્દે વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેને પગલે લોકશાહીની હત્યા સમાન આ પ્રકરણના આરોપીઓને સખ્ત સજા મળી શકે.
બીજી તરફ આગામી દિવસોમાં આપ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે. સુરત લોકસભા બેઠક પર પહેલી વખત મતદાન કરવા માટે થનગની રહેલા યુવા મતદારોને ભારે નિરાશા સાંપડી છે. કોંગ્રેસના ઉમેદવાર અને તેમના મળતિયા ટેકેદારોની શંકાસ્પદ ભૂમિકા બાદ જે ઘટનાક્રમ સર્જાયો છે તે હવે જગજાહેર થઈ ચૂકયો છે.
નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો વિરૂદ્ધ ખુદ કોંગ્રેસી કાર્યકરોમાં પણ ભારેલો અÂગ્ન જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટીના સુરત લોકસભાના પ્રમુખ રજનીકાંત વાઘાણી સહિત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા અને દિનેશ કાછડિયા સહિતના આગેવાનો બપોરે કલેકટર કચેરી પહોંચ્યા હતા.