લખતરમાં વાસ્મો યોજનાના નાણાં વેડફાયાઃ નવી જ લાઈન ઠેર-ઠેર લીકેજ જોવા મળી
ગંદુ પાણી મળતું હોવાની ફરિયાદઃ ઘર દીઠ રૂ.એક-એક હજાર પણ એળે ગયા
લખતર, નલ સે જલ અને હર ઘર નળ યોજનાની મોટી જાહેરાતો કરવામાં આવે છે. જેનું કામ વાસ્મો દ્વારા કરવામાં આવે છે. ત્યારે લખતરમાં આ યોજનાના ધજાગરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. શહેરમાં વાસ્મોની નવી નાંખેલી લાઈનમાં પાણી આપવામાં આવતા પાણી ડહોળું આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયેલો છે.
લખતર શહેરમાં વાસ્મો દ્વારા પાણીની લાઈન નાંખવાની કામગીરી શરૂ થઈ ત્યારથી જ કામગીરી નબળી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. આ અંગે તાલુકાથી લઈને રાજ્યના અધિકારીઓને રજૂઆતો થવા છતાં માત્ર તપાસના નામે દેખાડા કરી અધિકારીઓ સંતોષ માની લેતાં હોય છ. આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
તેવામાં લખતર શહેરના અનેક વિસ્તારોમાં રોજબરોજ પાણીની નવી નાંખેલી લાઈન લીકેજ થઈ રહી છે. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
આવા લીકેજ માટે નવું ટેન્ડર બહાર પાડી લીકેજ રોકવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પરંતુ તેમ છતાં આ નવી નાંખેલી લાઈનમાં ડહોળું પાણી આવતા લોકોમાં ભારે રોષ વ્યાપેલો છે. આ લાઈનોનું યોગ્ય રીપેરીંગ ન થયું હોવાથી ખરાબ પાણી લાઈનમાં આવતું હોવાનું લોકોએ જણાવ્યું હતું. આટલું જ નહીં પરંતુ તીવ્ર વાસ પણ નળમાં આવતા પાણીમાં આવતી હોવાથી રોગચાળાનો ભય પણ લોકોમાં રહેલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લખતર શહેરમાં આ પાણીની લાઈન નાંખવાની કામગીરી સમયે લોકો પાસે ઘર દીઠ એક-એક હજાર રૂપિયા સ્થાનિક પંચાયત દ્વારા ઉઘરાવવામાં આવ્યા હતા. આ રૂપિયા આપવા છતાં લાઈનો લીકેજ થાય, રોડ ઉપર પાણી ફરી વળે અને ઘરે નવી લાઈનમાં નળમાં ડહોળું પાણી આવે તો લોકોના
રૂપિયાનો વ્યય થયો હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. લોકોએ આ અંગે કડક તપાસની માંગ કરી છે. આ કામગીરી અનેક રજૂઆતો છતાં તાલુકાથી લઈને રાજ્યના અધિકારીઓ કાર્યવાહી કરવા વામણા બની ગયા હોવાનું લોકમુખે સાંભળવા મળી રહ્યું છે.