અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાતા પરત લાવવી પડી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાતા પરત લાવવી પડી હતી. આમ ગરમીની અસર એરલાઇન્સ ઉદ્યોગની ફ્લાઇટ્સ પર પણ થવા માંડી હોવાનું મનાય છે. સ્પાઇસજેટની અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટે સોમવારે વહેલી સવારે ઉડાન ભર્યાના થોડી જ મિનિટોમાં અમદાવાદ પરત લાવવી પડી હતી.
અમદાવાદથી ફ્લાઇટ ચેન્નાઈ જવા ઉપડ્યા પછી ૨૮ હજાર ફૂટની ઊંચાઈ પર હતી ત્યારે જ પ્લેનમાં ખામી સર્જાઈ હતી. તે સમયે એન્જિનમાં ખામી સર્જાઈ હતી. તેના લીધે ફ્લાઇટમાં બેઠેલા ૧૭૦ પેસેન્જરોના જીવ અદ્ધરતાલ થઈ ગયા હતા. તેને લઈને ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર પરત લાવવી પડી હતી.
આના પગલે ફલાઇટ પરત લાવ્યા પછી પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી અમદાવાદથી ચેન્નાઈની ફ્લાઇટના ૧૭૦ મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. આમ પહેલા તો મુસાફરો ૨૮ હજાર ફૂટ હવામા હતા ત્યારે તેમનો જીવ તાળવે ચોંટયો અને ફ્લાઇટ પરત આવી ત્યારે ચેન્નાઈ માટે તેમને પરત લઈ જવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓ કંટાળ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.
આશ્ચર્યની વાત તો એ છે કે આ રીતે દરેક એરલાઇન્સના પ્લેનમાં ખામી સર્જાય છે અને બેકઅપના અભાવે મુસાફરે રઝળે છે. તેની સામે ડીજીસીએ એરલાઇન્સને ફક્ત દંડ ફટકારીને બેસી જાય છે. પણ ડીજીસીએ તેવી પોલિસી લાવતું નથી કે દરેક એરલાઇન્સ બેક-અપ પોલિસી રાખે. વાસ્તવમાં ડીજીસીએએ દરેક એરલાઇન્સને ફરજ પાડવી જોઈએ કે આ રીતે જ્યારે પણ પ્લેનની ખામીના લીધે પ્લેન પરત આવે અને તેમા રહેલા મુસાફરો રઝળી પડે
તેના બદલે બીજી એરલાઇન્સની ફ્લાઇટ તેમા જતી હોય તે તેમા તેમને ગોઠવી આપવાની વ્યવસ્થા કરવાની તેમને ફરજ પાડવામાં આવે. તેની સાથે દરેક એરલાઇન્સને તેની સીટના અમુક ટકા રિઝર્વ રાખવાનો પણ નિયમ અમલમાં મૂકવો જોઈએ, જેથી આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે પણ આવે ત્યારે પરત આવેલા પ્લેનના મુસાફરોની વ્યવસ્થા થઈ જાય.
વાસ્તવમાં આ માટે બધી એરલાઇન્સને એકબીજા સાથે કરાર કરવાની ફરજ પાડવી જરૂરી છે. કમસેકમ લો-કોસ્ટ એરલાઇન્સને તો આ માટે ફરજ પાડી જ શકાય.