પાલિતાણામાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં ખુલ્લેઆમ મિલાવટ
પાલિતાણામાં ખાધ પદાર્થોમાં બેફામ ભેળસેળઃ કાનૂની રાહે પગલાંની જરૂર
પાલીતાણા, શહેરમાં વેચાતા ખાધ પદાર્થોમાં ખુલ્લેઆમ મિલાવટ થઈ રહી છે. જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા તત્વો સામે કાનુની રહે પગલાં ભરવામાં સરકારી તંત્ર લાજ કાઢતું હોવાથી ભેળસેળીયા તત્વો બેલગામ બન્યા છે.
ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ફૂડ વિભાગ, તોલમાપ વિભાગ, આરોગ્ય શાખા, નગરપાલિકા તેમજ જવાબદાર તંંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઓફીસમાં આરામ ફરમાવી જન આરોગ્યની ખેવના કરતા ન હોવાના કારણે શહેરમાં ખાધ પદાર્થોમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે.
માત્રને માત્ર રૂપિયા કમાવવાની લ્હાયમાં ખોરાક ખાધ નિયમોનો સરેઆમ ઉલાળ્યો કરવામાં આવતો હોવા છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા નથી. શહેરમાં મુખ્ય બજાર તેમજ ગલીઓમાં શેરીઓમાં ઠેરઠેર ધમધમી રહેલ પાણીપુરીની લારીઓ, નાસ્તાની, રેકડીઓ, ફરસાણની, દુકાનો, ભોજનાલયો, રેસ્ટોરેન્ટોની આજદીન સુધી તપાસ થઈ નથી.
પાણીપુરીની રેકડીઓ ઉપર આપવામાં આવતું પાણી જન આરોગ્ય માટે નુકશાનકારક છે. સરકારી તંત્રની લાપરવાહીના કારણે ખુલ્લેઆમ કોઈ જાતના ડર વગર જન આરોગ્ય સાથે ચેડા થઈ રહયા છે. આવી જ રીતે ફરસાણના વેપારીઓ ફરસાણ તળવાની કડાઈમાં બેરોકટોક દાજીયા તેલનો ઉપયોગ કરી રહયા છે. કલરવાળા ગાંઠીયા તેમજ મીઠાઈ તપાસ માંગી લે છે. મીઠાઈ બનાવવામાં વપરાતા માવાની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થઈ રહયા છે.
આવી જ રીતે ફાસ્ટ ફુડની દુકાનો, લારીઓમાં આરોગ્ય લક્ષી નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો કરવામાં આવી રહયા છે. અનેક ખાધ વસ્તુઓમાં ભય વગેરે ભેળસેળ કરવામાં આવી રહી છે. આવું જ ખાધતેલોમાં પણ બની રહયું છે. ખાધતેલોમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાની ચોકાવનારી વાતો લોકોમાં ચર્ચા રહી છે.
જન આરોગ્ય અર્થે પ્રજાના હિતમાં સંબંધીત તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ગમે તે કારણોસર ખાધ પદાર્થોમાં મીલાવટના પક્ષે નગરસેવકો ચુપકીદી સેવી રહયા છે. જેની લોકોમાં ટીકા થઈ રહી છે.