Western Times News

Gujarati News

અમદાવાદમાં છેલ્લા 4 મહિનામાં કોલેરાના 40 કેસ કન્ફર્મ થયા

બહેરામપુરા, વટવા, લાંભા, રામોલ, સરસપુર, અમરાઈવાડી સહિતના વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે પાણીજન્ય મચ્છરજન્ય અને વાયરલ રોગચાળો વકરી રહ્યો છે. શહેરમાં કોલેરા, ડેન્ગ્યુ અને સ્વાઈનફ્લુ જેવા જીવલેણ માનવામાં આવતાં રોગના કેસમાં ચિંતાજનક વધારો થયો છ. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય જયારે પશ્ચિમ વિસ્તારમાં મચ્છર જન્ય અને વાયરલ કેસના રોગ વધી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં ર૦ર૪ના પ્રથમ ચાર માસમાં કોલેરાના ૪૦ કેસો નોંધાયા છે. જે પૈકી ૧૮ કેસ માત્ર એપ્રિલ મહિનામાં નોંધાયા છે. શહેરના લાંભા, વટવા, દાણીલીમડા અને અમરાઈવાડી વિસ્તારમાંથી કોલેરાના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. આ ઉપરાંત કમળાના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન કમળાના પર૦ કેસ કન્ફોર્મ થયા છે.

જે પૈકી માત્ર દક્ષિણ ઝોનમાં ૧૯૯ કેસ નોંધાયા છે. આ ઝોનના વટવા વોર્ડમાં કમળાના પ૬, બહેરામપુરામાં ૪ર અને લાંભામાં ર૭ કેસ નોંધાયા છે. જ્યારે પૂર્વ ઝોનના અમરાઈવાડી ઝોનમાં કમળાના ર૦ કેસ કન્ફર્મ થયા છે.

ર૦ર૪માં ઝાડા-ઉલ્ટીના ૩૩૪૯ કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનમાં ઝાલા-ઉલ્ટીના ૧૧૯૧ અને પૂર્વ ઝોનમાં ૭૬૬ કેસ નોંધાયા છે. ઝાડા-ઉલ્ટીના કેસ પણ વટવા, બહેરામપુરા, લાંભા, બાપુનગર, સરસપુર અને અમરાઈવાડી વિસ્તારમાંથી મોટી સંખ્યમાં બહાર આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના જેટલો જ ઘાતક માનવામાં આવતાં સ્વાઈન ફ્લુના કેસ પણ વધ્યા છે. શહેરમાં છેલ્લા ૪ મહિના દરમિયાન સ્વાઈન ફ્લુના પ૦૬ કેસ નોંધાયા છે. માર્ચમાં સ્વાઈન ફલુના ર૩ર અને એપ્રિલમાં ૧ર૬ કેસ નોંધાયા હતા. શહેરમાં ૪૩ ડિગ્રી ગરમી વચ્ચે પણ ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય કેસ વધી રહ્યા છે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના નવા ર૦ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગયુના ૧૭ર અને ચીકનગુનિયાના ૪ કેસ નોંધાયા છે.

શહેરના દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યુના પ૪ અને પૂર્વ ઝોનમાં પ૩ કેસ નોંધાયા છે. રામોલ હાથીજણ વોર્ડમાં સૌથી વધી ર૪ અને બહેરામપુરામાં રર કેસ કન્ફર્મ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.