Western Times News

Gujarati News

હેં,જયેશ રાદડિયાનો બળવો શું સ્ક્રીપ્ટેડ છે?

હેં,જયેશ રાદડિયાનો બળવો શું સ્ક્રીપ્ટેડ છે?

ગુજરાતનાં રાજકારણીની ગલિયારીમા આજકાલ જે વિષય ગરમાગરમ બની ગયો છે તે વિષય છે જેતપુરના ભા.જ.પ.ના ધારાસભ્ય જયેશ રાદડિયાનો ઈફ્‌કોના ડિરેક્ટરની ચૂંટણી (Election of Directors of IFFCO)  માટે ઉમેદવારી કરવાનો સફળ બળવો અને વિજય છે.આ આખાં પ્રકરણ અંગે તો ‘જેટલા મોંઢા એટલી વાતો’ વહેતી થઈ છે.પણ અંદરની જે સાવ ખાનગી અને આશ્ર્‌ચર્યજનક લાગે તેવી વાતો બહાર આવી છે. is Jayesh Raddia’s rebellion scripted?

એ જો સાચી માનીએ તો એવી છે કે (૧)ઃ- રાદડિયાના બળવાને અમિત શાહના આશીર્વાદ હતા. (૨) એનો પુરાવો એ છે કે ઈફ્‌કોના ડિરેક્ટરની ચૂંટણી ચૂંટણી પહેલાંનાં ૪-૫ દિવસે અમિત શાહ રાદડિયાને ઘરે ગયા હતા અને ત્યાં દિલીપ સંઘાણી પણ હાજર હતા

(૩) દિલીપ સંઘાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર ક્ષેત્રે બધું કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા બક્ષી છે

(૪)ઃ-જયેશ રાદડિયાને દિલીપ સંઘાણીનો સંપૂર્ણ ટેકો હતો

(૫)ઃ-એવું કહેવાય છે કે સી.આર.પાટિલે જે મેન્ડેટ આપ્યો એ ખોટો અપાઈ ગયો હતો.વળી,અહીં પાટીલે દિલીપ સંઘાણીને વિશ્વાસમાં લીધા નહોતા તેથી દિલીપ સંઘાણીએ મોવડી મંડળની મંજૂરી લઈને જયેશ રાદડિયા પાસે ફોર્મ ભરાવી દીધું અને જીતાડી દીધા.

આ આખા પ્રકરણમાં અત્યારે દુરથી એવું લાગ છે પ્રદેશ પ્રમુખ પાટીલનો નિર્ણય સૌરાષ્ટ્રના કદાવર સહકારી નેતા દિલીપ સંઘાણી ઉથલાવી શક્યા છે હોં!

 

પી.ભારતી અને પી.ડી.પલસાણાઃ લોકસભાની સફળ ચૂંટણીના શિલ્પીઓ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ વિનાવિઘ્‌ને, સરળતાથી અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે.આ સફળતાનાં શિલ્પીઓ બે સનદી અધિકારીઓ શ્રીમતી પી.ભારતી અને પી.ડી. પલસાણા છે.પી.ભારતી ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી છે અને પી.ડી.પલસાણા સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી છે.૨૦૦૫ની બેચના સનદી અધિકારી પી.ભારતી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના રહેવાસી છે.

કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ સાથે બી.ઈ.ની અને પબ્લિક પોલીસીના વિષય સાથે એમ.એ.અને એલ.એલ.બી.ની ડીગ્રી મેળવનાર પી.ભારતીના નેતૃત્વમાં ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પણ સફળતાપૂર્વક કરવામાં આવી હતી.પી?.ડી.પલસાણા ૨૦૧૨ની બેચના સનદી અધિકારી છે.ગુજરાતના અમરેલીના વતની પલસાણા એગ્રીકલ્ચરના વિષય સાથે એમ.એસસી. અને ડિપ્લોમા ઈન યોગની ડીગ્રી ધરાવે છે.

લોકસભાની સમગ્ર ચૂંટણી દરમિયાન એવું જોવા મળ્યું કે ભારતી અને પલસાણા વચ્ચે ખૂબ સારો તાલમેલ હતો.એવું પણ દેખાતું હતું કે પલસાણા પોતાની આવડતને કારણે પી. ભારતીનો ઘણો કાર્યબોજ હળવો કરી દેતા હતા. પી.ડી.પલસાણા સાવ શાંત,નમ્ર, મિતભાષી અને સરળ અધિકારી છે.સરકારે તેમને જ્યાં જ્યાં મુક્યા છે ત્યાં તેઓએ પરીણામદાયક કામ કરી બતાવ્યું છે.ગુજરાત લોકસભાની ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે પી.ભારતી અને પી.ડી. પલસાણા અભિનંદનના અધિકારી તો બને જ છે હોં!

હેં શું ખરેખર આવતા વર્ષથી મોરારિબાપુનું અસ્મિતા પર્વ પૂનઃ શરૂ થશે?

સાચા માનવાનું જરાય મન ન થાય અને ખોટા છે એવું કહેવાની હિંમત ન ચાલે એવા સમાચાર એ છે કે આવતાં વર્ષથી(એટલે કે એપ્રિલ-૨૦૨૫થી) મોરારિબાપુ દ્વારા દર વર્ષે હનુમાનજીનાં પ્રાગટ્ય દિન નિમિત્તે મહુવામાં યોજાતુ સાહિત્યિક અસ્મિતા પર્વ પૂનઃ શરૂ કરવામાં આવી રહ્યું છે!આ અંગેની વિગત એવી છે કે અસ્મિતા પર્વ સતત ૨૫ વર્ષ સુધી ઉજવાઈ ગયા પછી છેલ્લા થોડા વર્ષોથી બંધ કરાયું છે.

આ અસ્મિતા પર્વ સંભવતઃ આગામી એપ્રિલ-૨૦૨૫ પૂનઃ શરૂ કરવામાં આવશે એવી ભરપૂર શક્યતા ઉભી થઇ છે. સંપૂર્ણપણે બિનસત્તાવાર પણ મોરારીબાપુ સાથે નિકટતાથી અને સક્રિય રીતે સંકળાયેલા વર્તુળોમાંથી સાંભળવા મળેલી વાત જો સાચી માનીએ તો એવું કહેવાય છે કે કેટલાક સાહિત્યરકારો અને ભાવકો દ્વારા આ પર્વ પૂનઃ શરૂ કરવા માટે મોરારિબાપુને વિનંતી કરાઇ હતી.

એ અંગે મોરારિબાપુએ સકારાત્મક અભિગમ દાખવી એ અંગે વિચારવાની ખાતરી આપી હોવાનું પણ કહેવાય છે. મોરારિબાપુ જો લીલી ઝંડી આપશે તો આ પર્વના કાયમી સંયોજકો અને શિલ્પીઓ હરિશ્ચંદ્ર જોશી અને વિનોદ જોશી આગામી ડિસેમ્બર ૨૦૨૪થી તેની તૈયારી કરવાનું શરૂ કરી દેશે અને માર્ચ-૨૦૨૫ ના આરંભે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ આખી વાત એવી કક્ષાએથી આવી છે કે તે સંભવતઃસાચી પણ પડે!પરંતુ આ અંગે આયોજકો તરફથી કોઈ આખરી સમર્થન ન મળે ત્યાં સુધી તો તેને અફવા જ ગણવી પડે એવી સ્થિતિ છે હોં!

આ અધિકારી રાજ્યની કેડરના હોવા છતાં ગુજરાતમાં નોકરી જ નથી કરતા!

આપણે ત્યાં અમુક સમૃદ્ધ વ્યક્તિ માટે એવું કહેવાય છે કે “એ તો મોઢાંમાં ચાંદીની ચમચી લઈને જન્મી છે આ વાત ગુજરાતની આઈ.એ.એસ.કેડરના અધિકારીઓને પણ લાગું પાડી શકાય તેમ છે.

ઉદાહરણ તરીકે વાત કરવી હોય ગુજરાત રાજ્યની સનદી કેડરની ૧૯૯૬ની બેચના અધિકારી રાજીવ ટોપનોની કરી શકાય.મૂળ રાંચીના વતની અને પોલીટીકલ સાયન્સ સાથે બી.એ.થયેલા રાજીવ ટોપનોએ કારકિર્દીની શરૂઆત રાજકોટમાં આસીસ્ટન્ટ કલેકટર તરીકે કરી હતી.

એ પછી થોડા વર્ષોમાં તેમની કારકિર્દીને એવી પાંખ મળી કે તેઓ સતત ગુજરાતની બહાર રહ્યા છે.રાજીવ ટોપનોએ વડાપ્રધાન મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીનાં કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવી છે.એ ઉપરાંત અન્ય અનેક ઉંચા(અને સમકક્ષ અધિકારીઓને ઈર્ષા થાય તેવા)સ્થાનો પર કામ કર્યું છે.

રાજીવ ટોપનો હાલ ‘સિનિયર એડવાઈઝર ટુ ધી એક્ઝીક્યુટીવ ડાયરેકટર’,વિશ્વ બેન્ક, વોશિંગ્ટન ડીસી, અમેરીકા તરીકે તા.૨૪/૦૮/૨૦૨૦થી ફરજ બજાવે છે.સતત સન્માનજનક હોદ્દાઓ મેળવતાં રહેતા રાજીવના નસીબને દાદ દેવી પડે હોં!

ચૂંટણી પછી શું થવાનું છે તે અંગે પણ લોકો જાત જાતની અટકળો કરે છે.

ગત તા.૭.ના રોજ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછીના બે ચાલુ દિવસોમાં પણ ગુજરાત સચિવાલય સૂમસામ રહ્યું.એ પછી ૩ દિવસની રજા આવી ગઈ. એટલે હવે સચિવાલય તા.૧૩ને સોમવારથી ધીમે ધીમે ગતિમાં આવશે.ચૂંટણીનાં બીજા જ દિવસે એટલે કે બુધવારે સૂમસામ સચિવાલયમાં ભા.જ.પ.ના એક પીઢ આગેવાન અને સરકારના એક કેબીનેટ મંત્રીનાં નિકટના મિત્ર મળી ગયા.

ભરપૂર હળવાશ અને નિરવ શાંતિ હોવાથી સ્વર્ણિમ સંકુલના એક સોફા પર તેમની સાથે બેઠક જમાવીને વર્તમાન રાજકારણ વિશે વાતો કરી.તેઓએ જે કંઈ કહ્યું તેનો લઘુત્તમ સાધારણ અવયવ એવો નિકળે છે કે (૧)ઃ-પરીણામ જાહેર થયા બાદ એક માસની અંદર ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થશે.(૨)ઃ-રાજ્યના બોર્ડ નિગમની તમામ જગ્યાઓ ભરાઈ જશે.

(૩)ઃ-વિસ્તરણ પ્રસંગે મૂળ કોંગ્રેસી એવા એક વર્તમાન મંત્રીને વિદાય કરાશે.(૪)ઃ-ગુજરાતમાં બધાં ભલે ગમે તે કહે પણ ભા.જ.પ.આ વખતે પણ બધી લોકસભાની બેઠક જીતી જશે

(૫)ઃ-હવે પછીનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હશે (૬)ઃ-નરેન્દ્ર મોદી જો અને જ્યારે વડાપ્રધાન પદ છોડશે ત્યારે એ પદ અમિત શાહને જ સોંપશે.

આમતો ભા.જ.પ.ના કોઈ પણ નેતાના એક પણ વિધાનનું કોઈ મહત્વ નથી.તેનુ કારણ એ છે કે બધું ઉપલી કક્ષાએથી નક્કી થાય છે.એ જોતા આ સિનિયર કાર્યકરની વાતમાં કેટલું તથ્ય હશે એ કહેવુ મુશ્કેલ છે પણ આ બધી પક્ષની અંદરની વાત છે એ તો નક્કી જ છે હોં!

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.