મિત્રએ જ ધંધો કરવાનું કહી ૭૨ લાખનો ચૂનો લગાવ્યો
અમદાવાદ, પોતાના કાફે આગ લાગતાં શાહઆલમના યુવાને કાફે બંધ કરી દીધું હતું. ત્યારેજ તેના એક મિત્રએ તેને પોતાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો ધંધો કરવાનું કહી ભાગીદારી કરી હતી. મિત્રએ વેપારીની જાણ બહાર જ એકાઉન્ટમાંથી ૭૨ લાખના વ્યવહારો કરી તેને ચૂનો લગાવ્યા હતો.
મિત્રથી છેતરાયેલા વેપારીએ આ બાબતે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે. શાહઆલમનો સાહિલ હુશૈન ખોખર (૨૪) ટાલનાકા પાસે ધ સ્કાય લોંજ નામની કાફે ધરાવતા હતો.
થોડા સમય પહેલા તેના કાફેમાં આગ લાગતા કાફે બંધ કરી દીધું હતું. તે સમયે તેમના મિત્ર જીસાન કાદરી કે જેઓ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ મશીનની દુકાન ધરાવે છે તેઓને મળવા ગયા હતા. જીસાને ક્રેડિટકાર્ડ સ્વાઈપ મશીનનો બિઝનેસ ભાગીદારીમાં ચાલુ કરીએ અને બેંકમાં કરંટ તથા સેવીંગ એકાઉન્ટ ખોલાવીને વધુ નફો કમાવવાની સાહિલને વાત કરી હતી. જેથી સાહિલ વિશ્વાસમાં આવી ગયા હતા અને બેંક એકાઉન્ટ ખોલવા માટે તમામ વિગતો આપી હતી.
ત્યારબાદ ધંધામાં પૈસાની જરૂર હોવાનું કહીને ૫૦ હજાર રૂપિયા એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ અલગ અલગ સમયે પૈસાની જરૂરિયાત હોવાનું કહીને પૈસા મેળવવાનું શરૂ કર્યું હતું. એક દિવસ જીસાને ધંધામાં પૈસા કમાવ્યા હોવાથી તમને એક લાખ રૂપિયા આપવાની વાત કરી હતી પરંતુ પૈસા આપ્યા ન હતા.
થોડા સમય પછી સાહિલે તેમનું એકાઉન્ટ ચેક કર્યું ત્યારે કુલ રૂ.૭૨ લાખની રકમની લેવડ-દેવડ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે તેમણે જીસાનને ફોન કર્યો તો ફોન ઉપાડતો ન હતો. જેથી જીસાને ધંધામાં ભાગીદારીના નામે સાહિલભાઈની જાણ બહાર તેમના એકાઉન્ટમાંથી કુલ રૂ.૭૨ લાખ ઉપાડી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હોવાની જાણ થઈ હતી. આ મામલે સાહિલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS