એક સાથે રાજ્યમાં ૮૦ ફેમિલી કોર્ટ શરૂ કરવાની જરૂર પડી, ૭ર૦ જગ્યા મંજૂર
દરેક જિલ્લાની ફેમિલી કોર્ટમાં જિલ્લા ન્યાયધીશની સંખ્યામાં વધારો કરવા સરકારનો નિર્ણય
ગાંધીનગર, ગુજરાત સરકારના કાયદા વિભાગે રાજ્યમાં એક સાથે ૮૦ ફેમિલી કોર્ટ સ્થાપવા નિર્ણય કર્યો છે. જેના માટે કાયદા વિભાગે ૭ર૦ જગ્યાઓના મહેકમને મંજૂરી આપી છે. રાજ્યમાં હાલમાં દરેક જિલ્લામાં ફેમિલી કોર્ટ કાર્યરત છે. પરંતુ જે રીતે સામાજિક સ્થિતિ બદલાઈ રહી છે અને ઘરેલુ કજીયા કંકાસ વધી રહ્યા છે તેને ધ્યાને લઈને કાયદાકીય વિવાદો વધતા સરકારને આવા નિર્ણયની ફરજ પડી રહ્યાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં હાલમાં ૩ર ફેમિલી કોર્ટ કાર્યરત છે. જ્યાં પ્રત્યેક મહિને સરેરાશ બે હજારથી વધારે કેસ આવી રહ્યા છે. લાંબા સમયથી રાજ્યમાં તાલુકા સ્તરે પણ ઘરેલુ હિંસાના કેસ, છૂટાછેડાના પ્રશ્નો વધી રહ્યા છે. આ સ્થિતિમાં ફેમિલી કોર્ટ ઉપર વધતું ભારણ અને સમાજજીવનમાં સૌથી વધુ સંવેદનશીલ સ્થતિના કાયદાકીય વિવાદોનો ઝડપી ઉકેલ આવે તેવા ઉદ્દેશ્યથી હાઈકોર્ટના પરામર્શમાં ગુજરાત સરકારે ત્વરિત અસરથી ૮૦ ફેમિલી કોર્ટ સ્થાપવા નિર્ણય કર્યાનું જાણવા મળ્યું છે.
કાયદા વિભાગમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ૮૦ ફેમિલી કોર્ટ સ્થાપના માટે ૮૦ જિલ્લા ન્યાયધીશ સાથે ૮૦ રજિસ્ટ્રાર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, બેંચ અને સિનિયર કર્લાક, આસિસ્ટન્ટ સહિત કુલ ૭ર૦ જગ્યાઓ પ્રથમ તબક્કે ભર્યેથી ર૮ ફેબ્રુઆરી ર૦રપ સુધી ચાલુ રાખવા ઠરાવ કર્યો છે. સામાજિક સ્થિતિ ઉપર અભ્યાસ અને ઘરેલું ઝઘડાઓના કાયદાકીય પક્ષકારો સાથે સંકળાયેલા તજજ્ઞોના જણાવ્યા મુજબ
દેશમાં સૌથી વધુ છૂટાછેડાના કેસ ઉત્તરપ્રદેશમાં નોંધાય છે અને ત્યાં પડતર કેસો પણ વધુ છે. આવા કેસોની પેન્ડન્સીમાં ગુજરાત ૧૦મે છે. રાજ્યની ૩ર ફેમિલી કોર્ટમાં અમદાવાદ, વડોદરા અને સુરતની કોર્ટમાં સૌથી વધુ કેસ પડતર રહે છે. આથી આવી કોર્ટમાં ન્યાયધીશની સંખ્યામાં પણ વધારો થશે.