તમામ ધર્મના લોકો સાથે સમાન વ્યવહાર માટે ભારત સહિતના દેશો સાથે ચર્ચાઃ USA
નવી દિલ્હી, મોદીના ભારતમાં મુસ્લિમો ભય અને અનિશ્ચિતતા વચ્ચે જીવી રહ્યો હોવાનો આક્ષેપ કરતાં ન્યૂ યોર્ક ટાઇમ્સના એક રીપોર્ટ અંગેના સવાલના જવાબમાં અમેરિકાએ જણાવ્યું હતું તે ભારત સહિત વિશ્વના ઘણા દેશો સાથે તમામ ધર્મના લોકો માટે સમાન વ્યવહારના મહત્વ અંગે વિચારવિમર્શ કરી રહ્યું છે.
બાઇડન સરકાર ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર માટે સાર્વત્રિક સન્માનને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ‘સ્ટ્રેન્જર્સ ઈન ધેર ઓન લેન્ડઃ બીઈંગ મુસ્લિમ ઈન મોદીના ઈન્ડિયા’ શીર્ષક હેઠળના આ રીપોર્ટ અંગેના સવાલના જવાબમાં અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે સોમવારે ડેઇલી ન્યૂઝ કોન્ફરન્સમાં આ ટીપ્પણી કરી હતી.
મિલરને સવાલ કરાયો હતો કે “શું તમે આ મુદ્દાઓમાં ભારતીય અધિકારીઓ સાથે વિચારવિમર્શ કરી છો?” ન્યૂ યોર્ક ટાઇમ્સના આ અહેવાલમાં આક્ષેપ કરાયો હતો કે ભારતમાં વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ સમુદાય ભય અને અનિશ્ચિતતા વચ્ચે તેમના પરિવાર અને બાળકોનો ઉછેર કરી રહ્યો છે.
સપ્તાહના અંતે પ્રકાશિત થયેલા લેખમાં આક્ષેપ કરાયો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદથી ધર્મનિરપેક્ષ માળખા અને મજબૂત લોકશાહીને દૂર કરી દીધી છે.
જોકે ભારત ભૂતકાળમાં દેશની ખોટી માહિતી અને ખામીયુક્ત સમજણ પર આધારિત આવા આક્ષેપોને ફગાવી ચુક્યું છે. મિલરે જણાવ્યું હતું કે “હું ખાનગી રાજદ્વારી વાર્તાલાપ અંગે કંઇ કહેવા માગતો નથી, પરંતુ અમે સમગ્ર વિશ્વમાં ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતાના અધિકાર માટે સાર્વત્રિક સન્માનને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”SS1MS