Western Times News

Gujarati News

વાવાઝોડાની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી તથા વ્યવસ્થાઓ માટે આગોતરું આયોજન કરાયું

અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં પ્રિમોન્સુન તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ

ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી તથા વ્યવસ્થાઓ માટેના આગોતરા આયોજન અને  પૂર્વતૈયારીઓ માટે માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટરશ્રી

સંભવિત પરિસ્થિતિ પછી આરોગ્ય, વીજળી તથા પાણી પુરવઠો તાત્કાલિક મળી રહે તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટરશ્રી

ચોમાસા પૂર્વે એટલે કે પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ માટેની પૂર્વતૈયારીઓ માટે માર્ગદર્શન અપાયું હતું.

પ્રિ-મોન્સુન સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર તથા રાહત બચાવની કામગીરી માટે આગોતરું આયોજન કરી શક્ય તેટલી ઝડપથી કામગીરી થાય તે મુદ્દે જરૂરી સૂચનો કર્યાં હતાં.

આ ઉપરાંત કલેકટરશ્રી દ્વારા જે-તે સંબંધિત વિભાગના અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે પૂર્વતૈયારીઓ સાથે એલર્ટ મોડ પર રહેવા સૂચના અપાઇ હતી. વધુમાં શિસ્તબદ્ધ આયોજન અને તકેદારી સાથે કાર્ય કરવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. પ્રજાજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામ કરવા કલેકટરશ્રી ખાસ તાકીદ કરી હતી. આ સાથે આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા ફાયરબ્રિગેડ વિભાગને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ હતી.

જિલ્લા કલેકટરશ્રી દ્વારા તમામ તાલુકાના પ્રાંત અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને સ્થાનિક લેવલે આગોતરું આયોજન કરી પ્રિ-મોન્સુન પ્લાન બનાવવા સૂચન કરાયું હતું. આ ઉપરાંત ખાસ કરીને આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર સ્થળ પર પણ જરૂરી તૈયારીઓ કરવા સૂચન કરાયું હતું.

અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ કહ્યું હતું કે, વર્ષાઋતુ દરમિયાન સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા ટીમ અમદાવાદ કાર્યરત છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, નિવાસી અધિક કલેકટર શ્રી સુધીર પટેલ તથા જે-તે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, ડિઝાસ્ટર વિભાગના મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.